લાભુ આજે ઉદાસ લાગતો હતો, ખબર નહીં પણ થોડા સમયથી માથા પર કોઈ ભાર ઉંચકીને ફરતો હોય તેમ લાગતુ હતુ.
લાભુની ઓળખ આપુ તો, નરોડા જી.આઈ.ડી.સી. ની બહાર ચા અને નાસ્તાના રેડીમેડ પડીકા વેચતો ટપરી વાળો આશરે ૧૬ કે ૧૭ વરસનો છોકરો. ડાબો હાથ સંપુર્ણ ખોડો, કદાચ જન્મજાત ખોડ હશે. છેલ્લા આઠ નવ મહીનાથી એણે એક ખેતરની બાજુ મા ગુલમોહરના ઘટાદાર ઝાડ નીચે નાનકડી ટપરી સજાવી હતી. નામ પણ કેવું! "સુખ-દુખ ટી સ્ટોલ." અને તેની ટપરી પર મોટા ભાગના નાના લબરમૂછિયા ખોડ-ખાંપણ વાળા બાળકો, ક્યાં તો ચા આપતા હોય ક્યાં તો વાસણ ધોતા હોય. અપંગ અને અનાથ બાળકો પ્રત્યે તેને ખુબ પ્રેમ. વાત વાત માં તે કહેતો "પાપની પોટલી હળવી કરવા થોડુ સેવાનું કામ પણ કરતા જવુ પડે, બાકી ભગવાને બધા હિસાબ કિતાબો ગણી રાખેલા હોય છે અને આપણે તો એણે ગણેલા દાખલાઓ નુ પુનરાવર્તન માત્ર કરવાનુ હોય છે."
દર શનિવારની જેમ આજે પણ હું તેની ટપરી પર ગયો, મે મહીના ની બપોરનો સમય હતો. સુરજ બને એટલા જોરથી અગનજ્વાળાઓ ઓકી રહ્યો હતો. લાભુ જરા આખી ચા અને દસના ખારી લાવજે. મે એને ઓર્ડર આપ્યો. મારી જોડે મારો મિત્ર સેલ્સ એક્ઝેક્યુટીવ પંકિત ભાવસાર પણ હતો. અમે બન્ને સામાન્ય ગ્રેજ્યુએટ થયા પછી, સેલ્સમાં જોડાયા અને આખુ અઠવાડિયું ફરી શનીવારે સુખ-દુખ ટી સ્ટોલ પર ભેગા થતા અને નોકરીના અનુભવો શેયર કરતા.
અમે નોટીસ કર્યું કે આજે તેને કામમાં ઉત્સાહ નહોતો. નહીંતર તરતજ આવીને કહે "મને લાગતુ જ હતુ કે આજે પંકિતભાઈ અને પ્રુથ્વીસિંહ આવશે જ અને તમે આવી ગયા" એમ ગમ્મતની સાથે-સાથ થોડો મસ્કો પણ હોય.
"લો મોટાભાઈ તમારી ચા અને ખારી" : લાભુ પ્લેટ મુકતો જતો રહ્યો, પણ પહેલા જેવો રણકાર ના દેખાયો. પંકિતે મસ્તી ચાલુ કરી લાભુ "તને ખબર છે, કાલે બાપુ છોકરી જોવા જવાના છે અને તુ આમ મુડલેસ થઈને ચા આપે છે એવુ થોડુ ચાલે?" લાભુએ પણ પુછવા ખાતર પુછ્યું "ક્યાં જવાના છો?" મે કહ્યું "ગાંધીધામ." બસ અચાનક તેની આંખોમાં ચમક આવી ગઈ. પંકિતે ફરી મસ્તી કરી "કેમ તારી કોઈ ગર્લફ્રેન્ડ ત્યાં રહે છે?" લાભુ થોડો ખચકાઈ ને "ના સાહેબ આમતો ઘણા બધા રહે છે અને આમ કોઈ પણ નહી." હવે પંકિતને મે વાળ્યો "છોડ ને યાર શું તુય લાભુ ની ફીરકી ઉતારે છે." હળવેક થી પુછ્યું "લાભુ, તારે કોઈ કામ હોયતો કહેજે."
"સાહેબ કામ તો છે. પણ પહેલા તમારે મારી વાત સાંભળવી પડશે. જો તમને થોડો સમય હોય તો?" લાભુએ ચા નો સ્ટોવ બંધ કરતા કહ્યું. પંકિત બોલ્યો "વાંધો નહી, ટાઈમ જ ટાઈમ છે, હવે બપોરે થોડા અમે સેલ્સ ડીલ કરવા જવાના છીએ, તુ તારે બોલવાનુ ચાલુ કર." લાભુએ પાણીનો ગ્લાસ લીધો અને તેની વાત કહેવાની શરૂ કરી.
"સાહેબ હું પોતે ગાંધીધામ નો છું, માતા અને પિતા એક માર્ગ અકસ્માત મા શ્રીજી ચરણ થયા પછી હું મારા મામા-મામી જોડે રહેતો હતો. મામા નો સ્વભાવ ખુબજ સુંદર અને હેતાળ, સામે મામી નિર્દયી અને ક્રોધી. હું બાર વરસનો હતો અનાથ થયો ત્યારે. અને મામા-મામી જોડે ગાંધીધામ થી માંડવી રોડ પર આવેલા ઝુંપડપટ્ટી માં રહેતો હતો. મારા મા-બાપ પણ સુખી નહોતા, પપ્પા લારી ચલાવતા અને માં ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે લારી પર ચા અને ગુટખા વેચતી. હું રાતની શાળા માં ભણતો અને સવારે ચા ની લારી પર માં ને મદદ કરાવતો. માતા-પિતાના અવસાન બાદ ગાંધીધામની લારી હું સંભાળતો અને તેનો હિસાબ કિતાબ બધો મામી ના હાથ માં રહેતો. વસ્તી કરું કે તરતજ મામી આવી જાય અને બધા રૂપિયા મારી પાસે થી લઈ લે. વધેલુ ઘટેલુ જમવા આપે. મામાની હાજરી હોય તો પણ એમનુ કંઈ ના ચાલે. પણ મામા મને ખુબ સાચવતા, રાતે મને ચોરી છુપીથી ખાવાનુ આપી જાય. કોક દિવસ જો રૂપિયાની ગણતરીમાં ભુલ પડે તો મામી ઢોર માર મારે અને ખાવાનુ પણ ના આપે."
બસ આટલી વાત સંભળાવી અને લાભુ તેને આવેલો ડુમો ગળવા ઉભો થયો અને પાણીનો ગ્લાસ પી ગયો. હું અને પંકિત પણ આશ્ચર્ય ચકિત થઈ ને જોતા રહ્યા. મન માં અફસોસ પણ થયો કે દુનિયા માં આવા પણ જાલિમો ઘર મા વસે છે. લાભુ પાછો આવી ને બેઠો અને ફરી એણે બોલવાનુ ચાલુ કય્રું. અમારી પાસે આજે સમયની કોઈ ખોટ નહોતી, અહીથી સીધા ઘરેજ જવાનુ હતું. અને મારે સાંજની પટેલ ટ્રાવેલ્સ મા બેસી કન્યા જોવા ગાંધીધામ.
"સાહેબ મુળ વાત એ નથી કે કોણે શું કર્યું, પણ સાહેબ ત્યારબાદ એક એવો પ્રસંગ બની ગયો કે મારે ગાંધીધામ છોડી અહી ભાગી આવવુ પડ્યું"
હવે અમને પણ થોડી કુતુહલતા જાગી. લાગ્યું કે કહાની મેં ટ્વીસ્ટ હૈ.
"આજથી દસ મહીના પહેલા ગાંધીધામ મા જોરદાર વાવાજોડું આવ્યું અને ગાજ-વીજ સાથે ભારે વરસાદ પડ્યો. હું મારી ટપરી સાચવી ને બેઠો હતો ત્યાં એક રિક્ષાની સહેજ ટક્કર વાગતા મારી ટપરી ઉંધી પડી ગયી. અને સિગારેટ અને ગુટખાના પેકેટો પાણી માં ભીના થઈ ગયા. દુધ બધુ ઢોળાઈ ગયું અને હું મામી ના નિર્દયી વિચારે, ડરી ને રોવા લાગ્યો. સહેજે હજાર રુપિયાનુ નુકશાન હતુ. હવે જો મામી ને આ વાત ખબર પડી જાય તો મારી-મારી ને મારી છાલ ઉતારી લે, બસ આ ડર થી હું માથે હાથ મુકી ને ત્યાંજ બેસી ગયો. આજે મને મારા મા-બાપ મને બહુ યાદ આવતા હતા. આકશી મેહ ઉભુ રહેવાનુ નામ નહોતો લેતો અને મારી આંખો પણ આજે પાંપણ નો બાંધ તોડી ને વહ્યા કરતી હતી. ભગવાને મને કદાચ બે હાથ આપ્યા હોત તો હું મારી ટપરી બચાવી શકત, એવા મનોમન વિચારો કરતો અને ભગવાનને પેટ ભરીને કોંસતો રડી રહ્યો હતો."
પંકિત હવે બોલ્યો "અચ્છા એટલે તુ ત્યાં થી ભાગી ને આવ્યો એમ ને?"
"ના સાહેબ, વાત થોડી જુદી છે. ખબર નહી કેમ તે વખતે ભગવાને શું ધાર્યું હતુ તે તો તેનેજ ખબર."
હવે મે પુછ્યું "દોસ્ત દિલ માં જે વાત હોય તે કહી નાંખ, અને હું ગાંધીધામ જઈશ તો, તુ જે કામ કહીશ તે સમયે કરીશ અને તારા મામા ની ખબર પણ લેતો આવીશ." મને એમ કે કદાચ એને એના મામા જોડે લાગણી છે તો તેમની ખબર કાઢવાનું કે એવુંજ કંઈક કામ કહેશે.
"ના સાહેબ, મારે મારા મામા ની નહી પણ એક બીજા વ્યક્તિ ની ભાળ જોઈએ છે."
પંકિત "બીજા વ્યક્તિ ની?"
"હા સાહેબ, હજુ મારી વાત પુરી નથી થઈ."
"હા તો બોલી નાંખ અને એક બાલાજી વેફર પણ આપી દે" મે મારા મોબાઈલ મા સમય જોતા કહ્યું.
"લો સાહેબ વેફર. સાહેબ વાત જાણે એમ બની કે બસ હુ મારા પર આવેલી આફતો થી રડી રહ્યો હતો અને ભગવાન ને કોંસી રહ્યો હતો ત્યાંજ એક નાનકડી હેન્ડ-બેગ પાણી માં તરતી મારા પગે અથડાઈ. મે તેને ઉંચકી લીધી, તો મને એમાં ખાસુ એવુ વજન લાગ્યું. કુતુહલતા પુર્વક ખોલી તો તેમાં મને પ્લાસ્ટીક ની કોથળી મા લપેટેલી ૫૦૦ ની નોટો નું બંડલ દેખાયું."
"ઓકે, તો તુ એ નોટો નુ બંડલ લઈ ને ભાગી આવ્યો છે એમ?" પંકિતે સહેજ કરડાકી ભર્યા સ્વરે કહ્યું.
"ના ના સાહેબ, પહેલા વાત તો સાંભળો" લાભુ ઉતાવળે બોલી ગયો.
"હા બોલ." હવે મારી પણ ધીરજ ખુટી ગઈ હતી.
"તો તે બેગ માં મને નોટો નું બંડલ મળ્યું સાથે સાથે એક સરનામુ પણ મળ્યું. પહેલા તો મગજ માં વિચાર આવ્યો કે ભગવાને મારી લાજ રાખી અને એમણે આ રૂપિયા મારા લાભ માટેજ મોકલ્યા છે. મારા હ્ર્દય અને મન વચ્ચે ગજાગ્રહ ચાલ્યો. મારું સ્વામાન મને તે લેવા કે સ્વીકારવા નું ના કહેતુ હતું તો મારું મગજ મામી ના નિર્દયી સ્વાભાવ થી બચવા નો રસ્તો બતાવતું હતું."
"પછી તે શું કર્યું?" પંકિતે વેફર ના પેકેટ માં હાથ નાંખતા પુછ્યું.
"પછી મારું હ્રદય જીતી ગયું અને હું અંદર આપેલા સરનામે ધોધમાર વરસાદ માં પેકેટ પાછુ આપવા સાયકલ લઈ ને નીકળ્યો. મન મા એવો વિચાર પણ આવ્યો કે ૫૦,૦૦૦ રૂપિયા પાછા આપીશ તો મને કદાચ બક્ષીસ મા ૫૦૦ રૂપિયા આપી પણ દે. પણ ત્યાં એ સરનામે પહોંચ્યો જોયું તો ત્યાં પોલીસ ની જીપ પહેલે થીજ પડી હતી અને લોકો નું ટો્ળુ જમા થયેલું હતું. હું ખુબ ગભરાઈ ગયો. પૈસા પડી ગયા છે એટલે શોધવા પોલીસ બોલાવી લાગે છે. મને લાગ્યું કે હવે જો હું આપવા જઈશ તો પોલીસ મારશે અને મારો હપ્તો પણ ડબલ કરી નાંખશે. હું પોલીસ જાત થી ખુબ વાકેફ હતો, મફત ની ચા પીવી, ગુટખા ખાવી અને પાછો દર મહિને ૫૦૦ નો હપ્તો."
"એટલે તુ પોલીસ થી ડરી ને ભાગી આવ્યો છે એમજ ને." મને થોડી સચ્ચાઈ દેખાઈ. "પણ લાભુ, મારે કામ શું કરવાનુ છે તે તો કહે?"
પંકિતે ઝડપ બતાવી "જેની બેગ મળી હતી તેની ભાળ કાઢવાની હશે, શું બાપુ તમે પણ યાર."
"હા સાહેબ, મારે એ ભાઈ તખ્તસિંહજી ની ભાળ કાઢવી છે અને તેમના પૈસા પાછા પહોંચતા કરવા છે. હાલ તો પુરા નથી પણ તેમને કહેવું છે કે લાભુ તેમની પાઇ પાઈ ચુકતે કરી દેશે."
હવે મારે ચક્કર ખાવાનો વારો હતો. કેમ કે જે છોકરી હું જોવા જવાનો હતો તેના પિતાજી નું નામ પણ તખ્તસિંહજી હતું. મે એને કીધુ વાંધો નહી મારો મોબાઈલ નંબર લઈ લે અને મને રવીવારે રાતે ફોને કરજે. અને મને પણ લાગ્યું કે ચલો મારા હાથે ભગવાને સારુ કામ લખ્યું છે અને જો તખ્તસિંહજી એજ વ્યક્તિ નીકળશે તો બન્નેના માથા નો ભાર હળવો થશે.
*************(ક્રમશ:)*************
યોગેન્દુ જોષી : ૦૭/૦૭/૨૦૧૦
No comments:
Post a Comment