'શ શ શાંત થઈ જાઓ બોચીયો આવી રહ્યો છે' ફાઈનાન્સ કંપનીનો પ્યૂન બુમ પાડીને પોતાના સ્ટાફને ચેતવી રહ્યો હતો.
બોચીયો એટલે હું, મારું નામ અસ્તિત્વ દવે. એ. ડી. ફાઈનાન્સ કંપનીનો માલિક, ઉંમર વર્ષ ત્રીસ, શહેરની ટોપ કોલેજ માંથી એમ. બી. એ. ફાઈનાન્સની ડીગ્રી, કેમ્પસથી મળેલ ઉંચા પગારની નોકરી થી પોતાની કંપની સુધીની સફર માત્ર પાંચ વરસ. શહેરના પોશ એરીયામાં આલીશાન ફાઈવ બી. એચ. કે. નો બંગલો, બી. એમ. ડબલ્યુ. કાર, હોટલોમાં પણ ના જોવા મળે તેવુ રાચ-રચીલું, ઇટાલીયન માર્બલ ફ્લોરીંગ પર ઇજીપ્શીયન કાર્પેટ. દેશ-વિદેશના નામી કલાકારોના પેઇટીંગ્સ વાળી દિવાલો. એકેએક વસ્તુ ધ બેસ્ટ. આવી શાનદાર લાઈફ સ્ટાઈલનો માણસ પણ લોકો મને બોચીયો કહીને બોલાવે છે.
મારા પ્યૂનનો અવાજ મારા કાને અથડાયો પણ જાણે સાંભળ્યુંજ નથી તેમ માની રોજની આદત મુજબ સીધો પહોંચ્યો મારી કેબીન માં. આજની સવારનો શીડ્યુલ હતો મારા પર્સનલ આસીસ્ટન્ટનો ઇન્ટર્વ્યુ. અંદર પહોંચી તરતજ મે ઇન્ટરકોમ પર દાસકાકા ને રીંગ મારી 'દાસકાકા શોર્ટલિસ્ટેડ કેન્ડીડેટ્સની ફાઈલ સાથે તમે પણ આવી જાઓ તો આપણે ઇન્ટર્વ્યુ ચાલુ કરીએ.'
દાસકાકા મારા પિતાજીના દોસ્ત, જુના મકાન માલિક અને એક એવા વ્યક્તિ કે જેમણે મારા ભણતર માટે એ જમાના માં મદદ કરી હતી. કરમની કઠિનાઈ એવીકે દિકરાઓ હોવા છત્તા આ ઉંમરે નોકરી કરવી પડે છે. મારા પિતાજી કહેતા કે દાસકાકા ઇમાનદારીમાં મારા ગુરૂ છે તેમને તુ સાચવજે, બે વરસ પહેલા જ્યારે ઓફીસ શરૂ કરી ત્યારથી તેમની ઇમાનદારીના ઘણા પરચા થયેલા અને આથીજ મે તેમને એડી ફાઈનાન્સ કંપનીના દસ ટકા ના પાર્ટનર બનાવ્યા જેથી ઓફીસ તેઓ સાચવી શકે અને હું બેફીકર થઈ મારા ક્લાયંટ્સ સાચવી શકું.
દાસકાકા આવી ગયા અને નિત્યક્રમ મુજબ મારા સ્વર્ગસ્થ માતા-પિતાના ફોટા પર ચઢાવવા ગુલાબના હાર પણ લેતા આવ્યા. હાર બદલીને અમે અમારા સ્થાને ગોઠવાયા.
'બેટા આજે તીથી પ્રમાણે તારા માતા-પિતાને વરસ પુરૂ થશે, અને તારી એકલતાનુ પણ. હું હવે કેટલુ જીવવાનો, તારા માતા-પિતાને આપેલુ વચન ક્યારે પુરૂ થશે?'
'દાસકાકા તમે સવાર સવારમા મારા લગ્નની વાત શરૂ ના કરો, પહેલા કામ કરી લઈએ, લંચ પછી બેન્ક જવુ છે, આપણી કંપનીના આઈ. પી. ઓ. માટે વકીલ જોડે પણ મીટીંગ છે અને હા પછી હું રાતની ફ્લાઈટ થી સિંગાપોર જવાનો છુ તો મહીના પછી પાછો આવીશ. સાંજે જમવાના ટેબલ પર વાત કરીશું. તમને તો ખબર છે કે આવતા બે મહીના ખુબ મહેનત કરવી પડશે.' મે ફાઈલ પર નજર નાંખતાજ વાત અટોપી લીધી.
'બેટા તે માત્ર આઠ જ કેન્ડીડેટ કેમ શોર્ટલિસ્ટ કર્યા છે, અરજી તો પાંચસો એક આવી હતી ને?' દાસકાકા એ મુદ્દાની વાત શરૂ કરી.
'હા કાકા મારે કામના માણસની જરૂર છે અને આ આઠ અરજી ઓ જ મારા પ્રમાણે યોગ્ય છે, હવે એક પછી એક ને બોલાવો જેથી બાર વાગ્યા સુધીમાં હું ફ્રી થઈ જાઉં અને બેન્ક જઈ શકું.'
એક પછી એક ઇન્ટર્વ્યુ બાદ મને અને દાસકાકા ને લાગ્યું કે નેત્રા શુક્લ ની પસંદગી યોગ્ય રહેશે. તેનો બાયોડાટા, તેની વાત કરવાની સ્ટાઈલ, કામની સમજ બીજા બધા કરતા વધુ હતી અને બીજી વાત એ હતીકે તે જરૂરિયાતમંદ હતી અને જે પગાર અમે ઓફર કર્યો તે તેને પણ મંજૂર હતો.
'દાસકાકા તમે અપોઇંટમેન્ટ લેટર અને બાકી વીધી પૂરી કરો હું જમીને અને બધા કામ કંપલેટ કરી સીધો સાંજે ઘરે મળીશ. અને હા કાલથી હું બહાર છું તો મહીના માં નેત્રા ને બધુજ કામ સમજાવી દેજો એટલે હું પાછો આવુ ત્યારે તેના કામ માં પરફેક્શન આવી ગયું હોય. અને હા પેંડિન્ગ કેસો ની ફાઈલ અલગ થી રાખજો, ઈમરજન્સી મા મને સિંગાપોરના નંબર પર ફોન કરજો.'
***
'બેટા આ તારી જગ્યા સંભાળીલે અને મે તને જે કામ સમજાવ્યું તેમા ના ખબર પડે તો તુ મને પુછી શકે છે. અસ્તિત્વને કામ મા પરફેક્શન જોઈશે, અને સમયસર હાજરી. તે દિલનો ખુબ ભલો છે પણ કામની બાબતે તે કશુંજ કોમ્પ્રોમાઇઝ નહી કરે.'
'જી દાસકાકા' કહી નેત્રા એ જગ્યા સંભારી લીધી.
નેત્રા, બી કોમ બાદ સી એસ વિથ ફર્સ્ટ ક્લાસ, અનમેરિડ, મિડલ ક્લાસથી આવતી યુવતી. ઘરની જરૂરિયાતને લીધે નોકરીની જરૂર હતી. નાનો ભાઈ એન્જીનીયરીંગ માં હતો અને તેના પપ્પા રિટાયર્મેન્ટના આરે ઉભા હતા. ઘરમાં મદદ કરી શકે અને પોતાના પગ પર ઉભા રહેવાનો વિશ્વાસ કહો કે સંકલ્પ એ તેની વાતો પરથી સ્પષ્ટ થતુ હતું. આથી અનુભવના હોવા છતા મારી અને દાસકાકાની પ્રથમ પસંદગી બની હતી.
***
હું સિંગાપોરથી પાછો ફર્યો ને જોયું તો ઓફીસના સ્ટાફ થી માંડી ને દાસકાકા સુધી બધા નેત્રામય બની ગયા હતા. હું જ્યારે સિંગાપોર હતો ત્યારે ફોન પર તો ખબર પડીજ હતી પણ અહીં આવી જોયું તો લાગ્યું કે કંપની ખરેખર નેત્રામય બની ચુકી છે. દાસકાકા પણ એયરપોર્ટ થી લઈ ને ઘર સુધી દસએક વાર વખાણ કરી ચુક્યા હતા. અને આજે ઓફીસ મા પણ આવાજ હાલ જોવા મળ્યા.
'દાસકાકા પેંડિન્ગ કેસો ની ફાઈલ લેતા આવજો' મે ઇન્ટરકોમ પર ફોન કરી તેમને કહ્યું.
હું ફોન મુકુ તે પહેલા નેત્રા નો અવાજ સંભળાયો 'હું અંદર આવી શકુ છું?'
'યસ, નેત્રા.'
'આ રહી પેંડિન્ગ કેસો ની ફાઈલ મને લાગ્યુંજ કે તમે સૌથી પહેલા આજ ફાઈલ માંગશો, મે તારીખ અને ક્લાયંટ્સ મુજબ ટેગ મારી રાખેલા છે.' નેત્રા એ સહજ ભાવે કહ્યું.
આ સામાન્ય મુલાકાત બાદ મહીના એક મા અમારી કામ ની બાબત માં સારી એવી ફ્રીકવન્સી મેચ થઈ ગયી અને છેલ્લા બે ત્રણ દિવસથીજ મે નેત્રા તરફ જોવાનુ શરૂ કર્યું, આ પહેલાતો માત્ર કામ કામ અને કામ સિવાય ક્યારેય મે બીજે ક્યાંય નજર નહોતી નાંખી. કદાચ પહેલીવાર હું કામ સિવાય બીજા ટ્રેક પર જઈ રહ્યો હતો. તેના લાંબા ઘટાદાર કેશ, નાજુક નમણું શરીર, ગૌરુ બદન, કાળી આંખો, તેની વાળની લટ કાન પાછળ મુકવાની અદા, ધીર ગંભીર પણ સહજ વાત કરવાની શૈલી, સ્માઈલ સાથે 'યસ બોસ' કહેવું, કુર્તા-જીન્સનુ કોમ્બીનેશન, એક હાથ મા બ્રેસ્લેટ અને બીજા હાથ માં રહેલ કાંડા ઘડીયાર, મેક-અપ ક્યારેય નહી પણ એકજ સરીખુ છાંટેલુ પરફ્યુમ આવી ઘણી બધી વાતો મે નોટીસ કરવાનુ શરૂ કર્યું. જીવન માં પહેલી વાર મારુ બોચીયાપણું મને ડંખી રહ્યું હતુ. કારણકે સમજ શક્તિ થી લઈ હાલ સુધી મે માત્ર મારા કામ ને ધ્યેય બનાવ્યો હતો, મિત્રવર્તુળના નામે માત્ર દાસકાકા હતા. કામ સિવાય સામાન્ય વાતો કરવાની મારા મા આવડત હતીજ નહીં. હવે મને મારા અપનાવેલા જીવન પર અફસોસ લાગી રહ્યો હતો.
***
'શ શ શાંત થઈ જાઓ બોચીયો આવી રહ્યો છે'
આજે મારો જન્મદિવસ હતો અને એટલે ઓફીસ માં કથા રાખેલ હતી. ક્રમ મુજબ મારું ઓફીસમાં આગમન અને દરવખતની જેમ પ્યૂનની બૂમ. આજે સવારથીજ નકકી કર્યું હતુ અને દાસકાકાને પણ નેત્રા વિશે મનની વાત જણાવેલી હતી કે આજે હું નેત્રા જોડે દિલની વાત કહેવા વિચારુ છું. ઓફીસમાં એન્ટર થતાની સાથેજ લગભગ સ્ટાફના બધાએ મને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી, માત્ર નેત્રા દેખાઇ નહી.
પહેલીવાર ઓફીસમા ફાંફા મારતો હું મારી કેબીનમાં દાખલ થયો. ત્યાંજ મારી વાટ જોતી મારી સામે ની ચેર માં નેત્રા બેઠી હતી.
'ગુડ મોર્નિંગ બોસ અને જન્મદિવસની શુભેચ્છા.' સરસ મજાનુ બૂકે અને બર્થડે કાર્ડ મારા હાથ માં આપીને નેત્રાએ કહ્યું.
'સર, કાર્ડની અંદર એક કાગળ પણ છે, ઘણા વખતથી વિચારતી હતી પણ હું બોલીના શકી, તમે તેને વાંચીને મને યોગ્ય પ્રત્યુત્તર આપશો.' નેત્રાની આંખોમાં થોડી શરમ અને શબ્દોમાં ધ્રુજારી હું અનુભવી ગયો અને મનમાં બબડ્યો 'નેત્રા જે વાત હું તને કહેવા માંગુ છુ તેજ જો તે લખી હશે તો મારાથી વધારે ખુશનસીબ કોઈ નહી હોય, દરવખતની જેમ આજે પણ ફ્રીકવન્સી મેચ થતી હોય તેવુ લાગ્યું.' નેત્રા કેબીનની બહાર જતી રહી અને હું કામની અન્ય ફાઈલો પર નજર નાંખવાની જગ્યા એ ફટાફટ કાગળ વાંચવા માંડ્યો.
'ડીયર બોસ ઉર્ફે મિસ્ટર બોચીયા,' પ્રથમ લાઈન મારા માટે ચોંકાવનારી હતી.
'કદાચ તમને ગમ્યું નહી હોય મે તમારા માટે બીજા લોકો ઉચ્ચારે છે તે નામ લખ્યું છે, પણ હા તમે તમારા જીવનને એક એવા દાયરામાં કેદ કર્યું છે કે તમને મિસ્ટર બોચીયા કહેવુંજ પડે. આજ આપનો જન્મદિવસ છે પણ મારા માટે એક અગત્યનો દિવસ છે, સાંજે મને જોવા છોકરો આવી રહ્યો છે, આથી હું તમારા મનની વાત જાણવા માંગુ છું. મને ખબર છે કે તમે તમારી બોચીયા ઇમેજ માંથી બહાર નહી નીકળી શકો અને હું તમને મારા દિલની વાત કહ્યા વગર કદાચ ગુંગળામણ અનુભવીશ એટલે હું તમને આ કાગળ દ્વારા મારા દિલની વાત કહેવા માંગુ છુ.' બસ આટલુજ વાંચતા મારા દિલની ધડકનો કદાચ પહેલી વાર તેજ બની હતી અને રુટીન વહેતુ રક્ત આજે શરીરમાં લાવાની જેમ પ્રસરી રહ્યું હતું. નવાજ કોઈ આનંદની અનુભુતી થઈ રહી હતી.
'તમે કદાચ મને ઓળખી નથી શક્યા, હું તમારીજ કોલેજ માં તમારા થી બે વરસ પાછળ ભણતી હતી, અને તે વખત નો તમારો ચોળાયેલો વ્હાઈટ પ્લેન શર્ટ અને બ્લેક પેન્ટ, ઘસાઈ ગયેલી સ્લીપર, ખખડધજ સાયકલ, દાઢી વધેલો ચહેરો, લાઈબ્રેરીની બૂકસ માટે લાંબી લાઈન પર કલાકો લગાવતો અને પ્રશ્નાર્થમાં રહેતો તમારો ઉદાસ ચહેરો બધુજ યાદ છે. લોકો ત્યારે પણ તમને બોચીયા ભગત કહેતા અને તમારા મિત્ર વર્ગમાં લગભગ શૂન્ય અવકાશ. ક્યારેય તમને હસતા, બોલતા જોયા નથી, એક્ઝામના હીરો અને હંમેશા નીચુ માથુ રાખી કોલેજ આવવુ અને ચુપચાપ કોલેજ પછી ટ્યુશનો કરવા જવું, આ બધુ યાદ છે.' બસ આટલુ વાંચતા હું ભુતકાળમાં સરી પડ્યો.
મારા પિતા એક પ્રાઈવેટ કંપનીમાં મામુલી ચપરાશી હતા અને મહીને પંદરસો પગાર, નાનપણથીજ રોજ સાંભળવા મળતુ કે બેટા ભણી ગણીને મોટો સાહેબ બનજે નહીતર મારી જેમ તારે પણ આખી જીંદગી ઢસરડા કરવા પડશે. બસ મારા બોચીયા બનાવા નું આ પહેલુ અને છેલ્લુ કારણ હતુ. પિતાજીની મજૂરી, મમ્મી ના ઘર ચલાવવા માટે આજુ બાજુ ના ઘરકામ કરવા, બધુજ યાદ આવી ગયું. અને ત્યારથીજ નક્કી કર્યું હતુ કે ભણી ગણીને માતા-પિતાને સુખ નો સુરજ બતાવવો. બસ ત્યાર પછી કયારેય જીંદગી ના બીજા નવા રંગ જોયા જ નહોતા અને ધ્યેય ની પાછળ લાગી ગયો હતો. અને આંખો મા ભરાઈ રહેલ આંસુ મારા ગાલ પર થી સરકી ગયું.
'તમને લાગ્યું હશે કે આ બધુ મને યાદ કેવી રીતે છે, તેનુ સાચુ કારણ કહુ તો, તે વખતે અમે બધા તમારી મજાક ઉડાવતા પણ તમારી નોટ્સ માટે હંમેશા પડાપડી કરતા. મે તમને પહેલાજ દિવસે જ્યારે તમે મારો ઇન્ટર્વ્યુ લેતા હતા ત્યારે ઓળખી કાઢ્યા હતા. જોબ પછી દાસકાકા પાસેથી મને બાકી ની બધી વાતો જાણવા મળી હતી. જેમકે બી. કોમ. બાદ એમ. બી. એ. એન્ટ્રન્સ માં ટોપર રહ્યા હતા અને દાસકાકા જે તમારા મકાન માલિક હતા તેમણે તે વખતે તમને એડમિશન લેવા લાખેક રૂપિયાની મદદ કરી હતી અને સ્કોલરશિપ પર તમે એમ. બી. એ. ભણ્યા અને તે પણ ગોલ્ડમેડલ સાથે. તમારા માતા-પિતાને તમે દુનિયાના બધાજ સુખો ખુબજ ટુંકાગાળા માં આપ્યા અને જીવન માં નવા રંગ ભરવાના શરૂ કર્યા. પણ કુદરતની ઇચ્છા અને તમારી કમ નસીબી માં તમારા માતા-પિતાનુ પ્લેઈન ક્રેશ માં અવસાન અને વળી પાછી બોચીયાદાર જીંદગી જે તમે છેલ્લા વરસ થી જીવી રહ્યા છો.' આટલુ વાંચતાજ વિતેલા દસ વરસનો ઇતિહાસ મારી આંખ સામે થી પસાર થઈ ગયો.
'આ બધુ વાંચીને તમને કદાચ ઠેસ પહોંચી હશે, પણ મારો આશય તમને આ બધુ યાદ કરાવી તકલીફ આપવાનો નથી, હું માત્ર તમને એટલુ કહેવા માંગુ છુ, શું તમે મારો હાથ પકડી જીવન માં નવા રંગો નહી સજાવી શકો?
તમારા જવાબની રાહ જોતી,
નેત્રા.'
'નેત્રા, પ્લીસ કમ ઇન' મે ઇન્ટરકોમ પર ફોન કરી બોલાવી.
'આઇ એમ સોરી બોસ, મને તમારા વિચારો ખબર નથી, પણ હું મારી જાત ને કંટ્રોલ ના કરી શકી, તમારા વિશે જાણેલી બધી વાતો લખવાનુ કારણ પણ જો તમે જાણવા માંગતા હો તો તે પણ હું તમને જણાવી શકુ છું. પણ તે પહેલા મને તમારા જવાબ ની રાહ છે, જો ના હોય તો આ રેજીગ્નેશન લેટર પર આપ સાઇન કરી શકો છો. હું બીજા કોઈપણ સવાલ જવાબ વગર ચાલી જઈશ. માત્ર અફસોસ થશે કે કોક ની જીંદગી રંગીન બની શકતી હતી મારા રંગો વડે.' નેત્રા રેજીગ્નેશન લેટર મારા હાથ માં મુકતા સડસડાટ બોલી ગઈ.
'નેત્રા તે તો ક્યારનાય મારા જીવન માં રંગો ભરવાના શરૂ કરી દીધા છે અને આજે હું તને આજ વાત કહેવાનો હતો, બટ એઝ યુઝ્વલ યુ આર ફર્સ્ટ.' નેત્રાની આંખ માં પ્રેમ અને શરમની મિશ્ર અસર હું વાંચી ગયો.
'ઓકે, નેત્રા હવે કહે કે તે મારો ભુતકાળ કેમ યાદ કરાવ્યો?'
'યસ બોસ.' 'હં હં, બોસ નહી અસ્તિત્વ' મે તેના હાથ ને હાથ માં લેતા કહ્યું.
'તો સાંભળો અસ્તિત્વ, તમે જે જીંદગી જીવી રહ્યા છો તે જીંદગી હું ત્રણ વરસ જીવી ચુકી છું. મારા બી. કોમ. બાદ પિતાજી લાંબી માંદગી માં પટકાયા એથી મારે મારો સી. એસ. નો પ્લાન મોકુફ રાખવો પડ્યો. બે વરસ ખુબ આકરા સંજોગો જોયા, ત્યારે તમારો ટાઈમ્સ માં ગોલ્ડ મેડાલિસ્ટ ચહોરો જોયો અને તમારી આપવીતી પણ જાણી, બસ તે જોઈને મે નવા ઉમંગ સાથે સી. એસ. પાસ કર્યું તે પણ સરકારી સ્કોલરશિપ ની મદદ થી. ત્યારે તો નહોતુ વિચાર્યું કે તમે અજાણતાજ મારા જીવન માં નવા રંગો ભર્યા છે તે હું તમને આ રીતે પાછા આપીશ. પછી તમારી કંપનીમાં જોબ અને તમને જાણવાનો જે સમય મળ્યો તેના પર થી મે નક્કી કર્યું કે હું તમને મિસ્ટર બોચીયા માંથી મિસ્ટર ઝક્કાસ બનાવીશ.'
કેબીન માંથી અમારા હાસ્ય નો અવાજ બહાર જઈ રહ્યો હતો અને ઓફીસ નો સ્ટાફ વિચારી રહ્યો હતો કે આ અચાનક શું થઈ ગયું.
અમે બન્ને કેબીન ની બહાર આવ્યા અને હસતા હસતા બધાને બોલાવી કહ્યું 'આજ થી જો કોઈએ મને બોચીયો કીધો તો હું તેને બોચીયો બનાવી દઈશ. અને દાસકાકા એ. ડી. ટ્રસ્ટ ખોલો જેમા જરૂરિયાત વાળા છોકરાને ભણવા માં મદદ મળે જેથી મારા જેવા બીજા બોચીયા બને નહી, અને આજ થી તમે તે ટ્રસ્ટના માલિક અને તમારી કેબીન સાચવશે શ્રીમતી નેત્રા અસ્તિત્વ દવે.'
ઓફીસ સ્ટાફ ને આનંદ સાથે આશ્ચર્ય હતું અને હું અને નેત્રા હાથ માં હાથ પરોવી તેના માતા પિતાના આશીર્વાદ લેવા નીકળી ગયા.
યોગેન્દુ જોષી : ૨૮/૦૭/૨૦૧૦
hello
ReplyDeletebochiyo is very good person...........
hello
ReplyDeleteaa bochiyo bahu saro manas lage chhe...........
nice theme....
ReplyDelete