Thursday, July 8, 2010

ખુદા નો ખેલ... (ભાગ - ૨)

પ્રુથ્વીસિંહ અને પંકિત પોત પોતાના બાઈક પર ગોઠવાયા અને બાઈક હંકારી મુકી, તેમની પીઠ જોઈ લાભુ મન મા બબડ્યો "હે ભગવાન, અજાણતા પણ જો તખ્તસિંહજી ને મારા થી મુસીબત આવી પડી હોય અને તેનુ કારણ જો પેલા રૂપિયા હોય તો મને માફ કરજે."
 
*****
 
"બેટા પ્રુથ્વી ચાલ જમી લે પાછી બસ પકડવા ની છે." રસોડા માંથી રંજનબા ની બુમ સાંભળી પોતાના ખયાલો માંથી બહાર નીકળી હું વોશ બેઝિન તરફ આગળ વધ્યો.
 
જમી ને પોતાના ઓરડા માં જઈ મુસાફરી માટે નો સામાન ભર્યો અને બાપુજી પાસે આવી બોલ્યો "બાપુજી, આપણે જે ઘરે જઈએ છીએ એમનો પરિચય તો આપો ખબર પડે." પ્રુથ્વીસિંહ ના પિતા મદનસિંહ ઝાલા એકદમ રૂઢીચુસ્ત રાજપુત. અને પાછા સબ ઈન્સ્પેક્ટર. સહેજ આંખો ઝીણી કરી ને બોલ્યા "પ્રુથ્વી, તખ્તસિંહજી મારા નાનપણના મિત્ર છે અને તેની પુત્રી મા જોવા જેવુ ના હોય, તમે જવાનીયાઓને જે વાત કરવી હશે તેનો તમને પુરતો સમય આપીશું, હવે બીજી બબાલ મુક અને રિક્ષા બોલાય તો શીવરંજીની પટેલ ટ્રાવેલ ની ઓફિસ પહોંચીએ."
 
હું શાન મા સમજી ગયો કે બાપુજી હાલ કોઈ પણ વાત કરવાના મુડ મા નથી, ત્યાં પહોંચીને લાભુની વાતનો તોડ કરવો પડશે. "જી બાપુજી" કહી હું રિક્ષા લેવા ગયો. આ બાજુ પ્રુથ્વી ના બાપુજી બા ને કહી રહ્યા હતા "સાંભળ, બધી તૈયારી કરી છે ને, જો બન્ને એકબીજા ને પસંદ કરે કે તરતજ રૂપિયો નાળિયેળ અને ચુંદડી ઓઢાડવા ની રસમ પુરી કરવાની છે. અને તેને તખ્તસિંહજી ની રૂપલબા પસંદ આવશેજ. આજકાલ ના જવાનીયાઓને માણસ ની સમજ નથી હોતી, બસ બાહ્ય સુંદરતા ના દિવાના હોય છે. " ત્યાંજ બા બોલ્યા "સાંભળો, બધી તૈયારી કરી છે, પણ પ્રુથ્વી જો પસંદ ના કરે તો ત્યાં જોર જબરદસ્તી પર ના ઉતરતા, તમારો તીખો સ્વભાવ છે એટલે કહું છું."
 
રિક્ષા આવી પહોંચી, સામાન લઈ ને બધા રિક્ષા મા ગોઠવાયા અને શીવરંજીની પહોંચ્યા. બા "બેટા તુ કેમ શાંત છે, તને કોઈ તકલીફ હોય તો કહેજે. અને સાંભળ તારા બાપુજી તારા માટે કંઈક વિચાર કરીનેજ કહેતા હશે ને તો તુ પણ ત્યાં બધુ સમજી વિચારી ને કરજે. અને મે તેમને કહી દીધું છે કે પ્રુથ્વી ની હા હશે તોજ... "
 
"બસ બા, હવે બહુ સલાહો ના આપો. મને બધીય ખબર છે. તમે ફિકર ના કરો" મે બા ની વાત કાપતા જ જવાબ આપ્યો. બા તને શું ખબર કે મારા મન મા કયા વિચારો ચાલી રહ્યા છે. મારે તો લાભુ ને આપેલુ વચન પુરૂ કેવી રીતે કરવુ અને તખ્તસિંહજી જોડે પિતાજી ની હાજરી મા પેલા રૂપિયા વિશે કેવી રીતે પુછવું તેની ગડમઠલ ચાલી રહી છે. હું મન મા બબડતો હતો.
 
એવા માંજ બસ આવી ગયી અને ત્રણેય જણા પોત પોતાની સીટ પર ગોઠવાઈ ગયા. બસ ઉપડી અને સાણંદ ચોકડી પહોંચે ત્યાં સુધી મા તો બધા મુસાફરો નિંદ્રાધીન થઈ ગયા. મને ઉંઘ ના આવી, અને મારુ મગજ વિચારે ચઢી ગયું. લાભુ સાથેની પહેલી મુલાકાત મને યાદ આવી ગયી. તેણે આજથી નવ એક મહિના પહેલા સુખ-દુખ ટી સ્ટોલ ચાલુ કરેલો. પહેલી વાર જ્યારે મળ્યો ત્યારે તેની સાથે રૂબી કરી ને એક બાર તેર વરસની મુંગી છોકરી વાસણ ધોતી હતી. વાત વાત મા જાણવા મળેલુ કે લાભુ પોતે અપંગ અને અનાથ હોવાથી રસ્તે ભીખ માંગતા અપંગ અને અનાથ બાળકો ને પોતાના ત્યાં કામ પર રાખતો, ખવડાવતો અને તુચ્છ જીવન થી કશુંક સારુ જીવન આપવાનો પ્રયત્ન કરતો. મે એક વખત તેને પુછેલુ પણ ખરુ "લાભુ આ રૂબી તને ક્યાં થી મળી અને તેના મા બાપ જો પાછા મળી જાય તો તુ શું કરે?" ત્યારે લાભુ એ કીધેલુ મને હજુ યાદ છે. "સાહેબ રૂબી ગીતા મંદિર ભીખ માંગતી હતી. હું આ ગામ માં નવો હતો. રૂબી આમતો ક્યાં ની છે તે તો ખબર નથી. કદાચ ગીતામંદિર બસ સ્ટેન્ડ માંજ ક્યાંક ગુમ થઈ ગઈ હશે અને તેના મા બાપ તેની ભાળ નહી કાઢી શક્યા હોય. અને તે અભણ અને મુંગી છે એટલે વધુ ખબર નથી. બસ તે દિવસે અમારો ભેટો થઈ ગયો અને મે પછી તેને મારી જોડેજ રાખી લીધી. તમે પુછી જુઓ રૂબીને લાભુ એને નાની બહેન થી વિશેષ રાખે છે. હું એનો ફોટો પોલીસ ચોકી મા આપી આવ્યો છું અને તેને તેના મા બાપ જોડે મળાવીશ જ." તે વખતે મને તેની આંખ મા એક અજબ ખમીર જોવા મળ્યું હતું. મને યાદ છે કે રૂબી મહિનો એવુ જોડે રહી હતી અને લાભુ તેના મા બાપ શોધવા તેનો ફોટો લઈ પોલીસ ચોકી ના ધક્કા ખાતો હતો. અને લગભગ તેની જ મહેનત થી રૂબી પાછી પોતાના પરીવાર સાથે જોડાઈ શકી હતી. અને એ પ્રસંગ પણ યાદ આવે છે. લાભુ તે દિવસે જાણે બહેનને વિદાય કરતો હોય તેમ ધ્રુસકે ધ્રુસકે રોતો હતો. અને રૂબી ના ગરીબ મા બાપ તેના પગ મા પડી ને આભાર વ્યક્ત કરતા હતા. તે જાણતા હતા કે રૂબી જેવી મુંગી છોકરી જો કોઈ આડે હાથ આવી હોત તો તેનુ જીવન બદતર હોત. આજે સાજી સવળી છોકરી મળી છે તે માત્ર લાભુ જેવા પરગજુ માણસ ના લીધે જ.
 
બસ ત્યાર થી જ લાભુ પ્રત્યે મારું માન વધી ગયેલું અને શનીવાર ની બેઠક પણ બની ગયી હતી. મારા વિચારો આજે મારી નિંદ્રા ની વચ્ચે આવી ને ઉભા હતા. મને લાભુ પ્રત્યે માન યાદ આવ્યું તો હવે એ પણ વિચાર આવ્યો કે પેલા રૂપિયા ખોવાયા પછી તખ્તસિંહજી ના શું હાલ હશે? જો પૈસે ટકે ધનઢ્ય હશે તો ઘા જીરવઈ ગયો હશે અને જો એ રૂપિયા કોઈ કારણસર લીધા હશે અને પૈસે ટકે જો સુખી નહીં હોય તો કદાચ... બસ આ વિચારોએ મને બેચેન કરી દીધો અને શ્વાસ લેવા મે મારી બારી નો થોડો કાચ ખોલી નાંખ્યો. હવે મને એમ લાગતુ હતું કે ક્યારે ગાંધીધામ આવે અને હું મારા પ્રશ્નોનુ નિરાકરણ લાવું.
 
વિચારવેગેજ જાણે બસ ચાલી રહી હોય તેમ સામાખિયાળી, અને ભચાઉ પાસ થઈ ગયા. અને પરોઢિયે અમે આવી પહોંચ્યા ગાંધીધામ.
 
બસ માંથી અમે ત્રણેય ઉતર્યા. બાપુજી એ રિક્ષા બોલાવી અને કહ્યું સતાપર રોડ પર જી.ઇ.બી. કોલોની લઈ લે. હવે મને લાગ્યું કે હું મંઝિલથી નજીક છું અને આજે તો લાભુની વાત નો તોડ લાવીનેજ જંપીશ. રિક્ષા મા બાપુજી બોલ્યા "પ્રુથ્વી બેટા સાંભળ આપણને ઉતારો તેમણે તેમના ઘર માંજ આપ્યો છે, બપોર નુ જમવાનુ પણ ત્યાંજ છે. ત્યાં જઈ થોડો થાક ઉતારી નાહી ધોઈ ને મુખ્ય વાત પર આવીશું. તમારે જે જોવુ હોય તે જોઈલેજો. બાકી મારો મિત્ર એકદમ ભોળીયો છે. પૈસે ટકે કંઇ માલેતુજાર નથી પણ દુખી પણ નથી. અને હું તો તેને વીસ વરસે મળવાનો છું તો અમે તો અમારી જુની યાદો મા મસ્ત હોઈશું." બાપુજી ને પહેલીવાર હળવાશ ના મુડ મા જોઈ મને લાગ્યું કે મારે જે વાત જાણવી છે અને જે વાત કરવી છે તે થઈ જશે.  મે હળવેક થી પુછ્યું "તખ્તસિંહજી શું કરે છે?" "જી.ઇ.બી. માં ફોરમેન છે. એને બદલી ની જોબ છે એટલે ત્રણ એક વરસ થી અહીં છે." બાપુજી પોતાના મિત્ર ને મળવાની ખુશી મા અને જુની યાદો મા ભીંજાયેલા હતા તે મને તેમની બોલી પર થી સાફ થઈ ગયું. "તેમના પરીવાર મા કોણ કોણ છે?" પરીસ્થીતી નો લાભ લઈ મે ફરી પુછી નાંખ્યું. "તેમના પત્ની કંકુબા અને તેમની એક ની એક પુત્રી રૂપલબા. નાનો અને સુખી પરીવાર છે. તુ જોજે તો ખરો આપણા સ્વાગત માટે તે આખી રાત નહી સુતો હોય." હુંય મન મા બબડ્યો "હું પણ ક્યાં સુતો છું."
 
બાપુજીની વાત સાચી નીકળી. જેવી અમારી રિક્ષા તેમના ઝાંપા પાસે આવી કે તરતજ તમનો નાનો સુખી પરીવાર અમારી પાસે આવી ગયો. મને ઓળખાણ પડતા પણ વાર ના લાગી. સાડી મા સજ્જ એકવડા બાંધા ના કંકુબા, અને સફારી માં સજ્જ ભરાવદાર રાજપુતાના મુંછો વાળા મધ્યમ કદ ના તખ્તસિંહજી. અને પંજાબી ડ્રેસ માં પાણીદાર આંખો વાળી કન્યા એટલે રૂપલ. થોડીકવાર માંજ મે નોંધી લીધું કે તેઓ રૂઢીચુસ્ત નથી. તખ્તસિંહ્જી તો મારા બાપુજી ને ગળે વળગી પડ્યા. અમારો સામાન લઈ લીધો અને મિત્રભાવ થી અમને તેમના સરકારી ક્વાટર માં અંદર લઈ ગયા.
 
"લે મદન આ ચાવી. બાજુનુ ક્વાટર મે મારા માટે સાહેબની પરવાનગી થી રાખી લીધુ છે. અંદર આરામ કરવા અને નહાવા ધોવાની બધીજ વ્યવસ્થા કરેલી છે. જો કંઈ ખુટતુ હોય તો બુમ મારજે. તખો હાજર થઈ જશે."
 
"અલ્યા તખા, તુ હજુ ભુલે છે, છોકરી નો બાપ પછી પહેલા તો મારો ભાઈબંધ છે. મદન મદન શું કરે છે, મેંદુ બોલ તો મોજ પડી જાય. જો હું તખ્તસિંહ બુમ મારું અને બીજા કોઇ તખ્તસિંહ હાજર થઈ જાય તો" બાપુજી એ ચાવી હાથ મા લેતા અને ગમ્મત કરતા કહ્યું. હું હવે સમજી ગયો કે આ તખો અને મેંદુ જુના જોગીયાઓ છે અને હવે પછી નો સમય કદાચ એકદમ મોકળાશ ભર્યો હશે.
 
"મેંદુ, તખ્તસિંહ આખા ગાંધીધામ મા એકજ છે. ફિકર ના કરતો. તને કોઈ વાત નો વાંધો નહીં આવવ દઉં"
 
"ચલો થોડો આરામ કરી લઈએ અને આઠ એક વાગતા નાસ્તા ના ટેબલ પર ભેગા થઈએ." મારા બાપુજી બોલ્યા અને અમે અમારા વિસામા તરફ વળ્યા.
 
"હા હા કેમ નહીં, તારા માટે અહીંના સ્પેશિયલ ફાફડા અને સંભારો તૈયારજ હશે." તખ્તસિંહ હસતા હસતા બોલ્યા.
 
હું પથારી પર ફસડાયો અને મન મા હાશકારો પણ થયો. જે તખ્તસિંહની તપાસ કરવાની છે તેઓ સાક્ષાત સામે છે. હવે નો રસ્તો સરળ હશે. મારી આખી રાતની વિડંબના નો અંત હતો. અને હવે આંખો પર રાતનો ભાર પણ વર્તાતો હતો. બસ એકાદ નાનકડી ઝબકી મારી, હુ અને બા બાપુજી તૈયાર થઈ ગયા. હવે ગણતરીના કલાકો માંજ મારી પરેશાની નો અંત આવવાનો હતો અથવા એવુ કહું તો લાભુ અને તખ્તસિંહ વચ્ચેની ઘટના નો સેતુ સંધાવા નો હતો.
 
*************(ક્રમશ:)*************
 
યોગેન્દુ જોષી : ૦૮/૦૭/૨૦૧૦

No comments:

Post a Comment