મન ની બેચેની દુર થઈ ગયી હતી અને હવે મારું ધ્યાન મુખ્ય વાત પર આવી ગયું. કેમકે મારા જીવન નો પણ એક અગત્ય નો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો હતો.
અમે ત્રણેય તૈયાર થઈને તખ્તસિંહજી ના ક્વાટર મા પહોંચ્યા. ત્રણ રૂમ રસોડાનું નાનકડું ક્વાટર અને જુના જમાનાનું રાચરચીલું, ઠેક ઠેકાણે દિવાલો પર કચ્છી ભાત ના ચિત્રો દોરેલા હતા. મારી નજર જેવી ચિત્રો પર ઠરી કે તરતજ તખ્તસિંહજી બોલ્યા "રૂપલે દોરેલા છે, એને ચિત્રકળા, ભરત ગુંથણનો ખુબ શોખ છે."
જેવા નાસ્તાના ટેબલ પર પહોંચ્યાતો ધ્યાન ગયું તો ફાફડા-જલેબી, ગોટા-સંભારો બધુ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. અમે છ જણા નાસ્તાના ટેબલ પર ગોઠવાયા. પહેલીવાર મેં રૂપલ તરફ નજર નાંખી. તેણે પણ શરમ અને સંકોચ સાથે મારી નજર મિલાવી. તેની સુંદરતા તરફ હું ઢળી રહ્યો હતો. અને બાપુજીએ ઔપચારિક વાતો ચાલુ કરી "રૂપલબા કેટલુક ભણેલા છે?" કંકુબા "અમારા માટે દીકરી દીકરો એ આજ છે એટલે એને ભણવાની છુટ આપેલી છે. એમ. કોમ. પાર્ટ ૧ કરે છે." મારી બા બોલ્યા "પ્રુથ્વીએ બી.બી.એ. કર્યા પછી, ગવર્નમેન્ટ બેંક માં એક્ઝેક્યુટીવ છે. અને આગળ એમ.બી.એ. નો અભ્યાસ ચાલુ છે."
સામાન્ય પરિચય અને સામાજીક વાતો આગળ વધી રહી હતી. હું અને રૂપલ મુકદર્શક બની ને સાંભળી રહ્યા હતા.
તખ્તસિંહજી બોલ્યા "રૂપલ બેટા તમે અને પ્રુથ્વી બન્ને બીજા રૂમ મા જાઓ અને એકબીજા ને સમજો. અમે તો ખુશ છીએ જો તમે બન્ને એકબીજા ને પસંદ કરશોતો. આખરે જીંદગી તમારે સાથે જીવવાની છે." મારા બાપુજી પણ સુર મા સુર મિલાવતા બોલ્યા "સાચી વાત છે તખા, મારે પણ એક નો એક દીકરો છે અને મારા લંગોટિયાની જોડે વેવિશાળ થાયતો એના થી વધરે આનંદ શું હોઈ શકે."
રૂપલ મને બીજા રૂમ તરફ દોરી ને લઈ ગઈ. મે રાહત નો શ્વાસ લીધો અને એક ખુરશી પકડી લીધી. રૂપલ પણ બાજુ ની પાટ પર ગોઠવાઈ ગઈ. બહાર ઠઠ્ઠા મશ્કરીનો અવાજ આવતો હતો. લાગતુ હતુ કે બન્ને દોસ્તારો જુની વાતો યાદ કરી રહ્યા છે. અને મારી બા અને કંકુબા કિચન તરફ વાતો કરી રહ્યા હતા.
રૂપલ સામે જોઈ મેં કહ્યું "તમે સુંદર ચિત્રો દોરો છો."
શરમ અને સંકોચ સાથે તેણે કહ્યું "આભાર." પહેલી વાર તેનો સુરીલો અવાજ કાને અથડાયો. પછી મે કહ્યું કે હવે શરમ કે સંકોચ વગર તમે જે પણ જાણવા માંગતા હોવ તે મને પુછી શકો છો. વાતો ધીરે ધીરે આગળ વધી રહી હતી, એકબીજા ના શોખ, ગમો અણગમો, કોલેજ ના અનુભવો, મિત્રવર્ગની વાતો વગેરે વગેર. અને મે નોટીસ કર્યું કે ખુબ શાંત અને ધીર ગંભીર લાગતી રૂપલ વાસ્તવ માં વિચારો અને કળા થી ભરપુર હતી. તેના વિચારો મા પરિપક્વતા અને ભારતીય નારી ને છાજે તેમ લાજ શરમ બધું જ હતું. દેખાવેતો સુંદર હતીજ પણ કલાકેક વાત કરતા લાગ્યું કે તેના વિચારો તો તેના કરતા પણ સુંદર છે. ક્યાંય પણ આડંબર, છોછ કે અભીમાન નહોતું. અને ધીરે ધીરે તે મારી પસંદગી ના બીબા મા બેસતી જતી હતી. તેની શાંત અને સૌમ્ય શૈલી મને ખુબ પસંદ પડી.
રૂપલ તરફથી પણ મળેલા સ્મિત સભર જવાબોથી લાગી રહ્યું હતું કે તેની પસંદગી મા પણ હું ખરો ઉતરી રહ્યો છું. બાળપણ ના તોફાનો, બાપુજી ની બદલી અને તેના થી થતા ફાયદા ગેર ફાયદા વગેર ઘણું બધુ. લગભગ દોઢેક કલાક મા અમે એકબીજા ને એવા જાણતા થઈ ગયા કે જાણે જ્ન્મો જનમ નો કોઈ સબંધ બંધાયેલો હોય.
હવે એકબીજાની મુકસંમતિ થી અમે બહાર ના રૂમ મા આવ્યા. મારા છેલ્લા સવાલ નો જવાબ મને હકાર મા મળતા હુ ખુશ હતો. પણ તેણે મારો મત મને ના પુછ્યો કે મે જણાવ્યો. અમે જેવા બહાર નીકળ્યા કે મારા બાપુજીના શબ્દો કાને અથડાયા "તખા આજથી દસ મહીના પહેલા પેલા ગુલાટી નુ છટકુ ગોઠવ્યું હતું એમા તુ ક્યાં થી ભરાયો?"
મારા કાન હવે સતેજ થઈ ગયા. હું મારી જગ્યા પર આવી ગોઠવાયો, હવે મને મારા સવાલોના જવાબ સામે ચાલી ને મળવાના હતા. જે પ્રશ્ન મારે પુછવા નો હતો તે બાપુજી પુછી ચુક્યા હતા અને મારે માત્ર જવાબની રાહ જોઈ લાભુ વાળી વાત કહેવાની હતી.
તખ્તસિંહ ભગવાન નો પાડ માનતા હોય તેમ હાથ અદ્ધર કરી બોલ્યા "છટકુ ગોઠવાયેલું હતું તેની મને ખબર નહોતી. પણ ઉપરવાળાએ મારી લાજ રાખી, નહીંતર આજે તખો જીવતો ના હોત."
"કેમ તખા એવુ કેમ બોલે છે? વાત શું બની હતી? મને થોડી ઉડતી ઉડતી માહીતી મળી હતી મને એમ કે નિરાંતે ફોન કરીશ પણ, પોલીસ ની નોકરી માં નિરાંત કોને હોય છે?"
સાંભળ મેંદુ વાત એમ બની કે "તે દિવસે ગુલાટી સાહેબ નો પટ્ટાવાળો મારી પાસે આવ્યો અને બોલ્યો, સાહેબ વરસાદ બહુ છે અને ગુલાટી સાહેબ એમને એક બેગ અહીં ભુલી ગયા છે તો તમે તેમન ઘરે પહોંચાડી દેશો. તમે તો બાજુ ના ક્વાટર માંજ રહો છો." મને એમ કે હશે કોઈ કામ ના કાગળીયા. "વાંધો નહીં પહોંચતા કરી દઈશ પણ હાલ તો મારે ગાંધીધામ જવું છે રૂપલ વરસાદ માં ફસાઈ ગયી છે અને બસો બધી બંધ છે. વળતી વખતે હું તેમની બેગ તેમને પહોંચતી કરી દઈશ."
હું રૂપલ ને લઈ ને ઘરે પહોંચ્યો તો જોયું કે મારા ઘરે પોલીસ વાન ઉભી હતી અને આજુ બાજુ ના લોકો મારી તરફ ખરાબ નજરે જોઈ રહ્યા હતા. ગુલાટી સાહેબ નો પટ્ટાવાળો પણ ત્યાંજ હતો અને ગુલાટી સાહેબ પણ. મને જોઈ ને ત્યાં ના ઈન્સપેકટર મારી સામે આવી ને બોલ્યા "ગુલાટી સાહેબ ના પટ્ટાવાળાએ તમને બેગ આપી એ ક્યાં છે?" ઉતાવળ માં હું ભુલીજ ગયેલો કે એ બેગ મારે ગુલાટી સાહેબ ને આપવાની હતી. થોડો છોભીલો પડી ને મારી થેલી મા જોયું તો બેગ મને ના મળી. આ બાજુ પટ્ટાવાળો બોલી રહ્યો હતો "સાહેબ હું ક્યારનોય કહું છું મે એમને બેગ આપીજ નથી." મને કંઈ સમજાય તે પહેલા ઇન્સપેક્ટર મારી પાસે આવી ને બોલ્યા "અમને બાતમી મળી છે કે ગુલાટી પાવર ચોરી કરાવી ને કમીશન ખાય છે અને તેના છટકા માટે અમે અમારો માણસ મોકલ્યો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે અમે આપેલી બેગ તેમના કયા સ્ટાફ પાસે છે?" પછી એમણે મારી થેલી ચેક કરી. કંઈ ના મળતા ગુલાટી અને પેલા પટ્ટાવાળાને લઈ ને જતા રહ્યા.
"બસ પેલી બેગ મારી ભુલના લીધે પડી જતા ગુલાટી સાહેબ બચી ગયા. કેસ પડતો મુકાયો. આ બાજુ ગુલાટી સાહેબે પણ મને ધમકી અપાવી કે જો પેલી બેગ વાળી વાત કોઈ ને કહી છે તો તને કેસ મા ફસાવી દઈશ. હું ચુપ રહ્યો. પણ પાપ છાપરે પોકારેજ તેમ ગુલાટી સાહેબ ગયા મહીનેજ રંગે હાથ પકડાયા." તખ્તસિંહજી આટલુ બોલી ને અટક્યા.
હવે હું બોલ્યો "કમાલ છે કુદરત નો ખેલ, એકજ ઝાટકે ઇમાનદાર વ્યક્તિ નું ઇમાન અને જરૂરીયાતની જરૂરત પુરી કરી દીધી."
બધા મારી સામે જોઈ રહ્યા હતા. તેમના પ્રશ્નો ઝડી વર્સાવે તે પહેલાજ મે લાભુની દાસ્તાન કીધી. અને બધા પ્રભુ નો પાડ માનવા લાગ્યા.
ત્યાંજ પંકિત નો ફોન આવ્યો "શું બાપુ, ભાવી સસરા એજ વ્યક્તિ નીકળ્યા કે તારે હજુ શોધખોળ કરવાની બાકી છે.?"
"ભાઈ ખુદા નો ખેલ કેવો છે તે હું તને પરત આવીશ પછી કહીશ. વ્યક્તિ એજ હતા અને હવે થનાર સસરા પણ." ફોન પર મોઢું દાબી મે તેને હકીકત પણ બયાન કરી દીધી.
તખ્તસિંહજી બોલ્યા "સાચેજ ખુદા એ બન્ને ની લાજ રાખી, અને તમે હવે લાભુ ને મળો તો કહેજો કે ભગવાને મારું ઇમાન સાચવવા અને તારી લાજ રાખવા એ પૈસા નો ખેલ કર્યો હતો અને એ પૈસા તારાજ છે. મારે કોઈનોય હરામનો રૂપિયો મારા ઘર મા ના જોઇએ."
જમવા ના ટેબલ પર બેઠા અને અમારી સંમતિ પણ લેવાઈ ગઈ. ગોળ-ધાણા ખાઈને અમે છુટા પડ્યા. રીટર્ન ટીકીટ તો લીધેલીજ હતી. આજે હું ટેન્શન ફ્રી હતો. લાભુના ફોન ની રાહ જોઈ રહ્યો હતો. બસ તેવામાંજ લાભુ નો ફોને આવ્યો અને બધી વાત તેને જણાવી. પછી માત્ર મજાક ખાતર હું બોલ્યો "લાભુ બધા પોલીસવાળા સરખા નથી હોતા, મારા બાપુજી પણ સબઇન્સ્પેક્ટર છે અને આજ સુધી લાંચ નથી લીધી."
લાભુ ગળગળો થઈ ગયો, અને બોલ્યો "સાહેબ, તમે મારી મદદ કરી તે બદલ ખુબ ખુબ આભાર અને પેલી વાત તો મે એમજ કીધી હતી તમને ખોટુ લાગ્યું હોય તો માફ કરજો."
ફોન મુકાયો અને હું રૂપલના ખયાલો માં ગુંથાયો.
*************(સમાપ્ત)*************
યોગેન્દુ જોષી : ૦૯/૦૭/૨૦૧૦
No comments:
Post a Comment