Saturday, August 14, 2010

વિચારો વચ્ચેની ભેદરેખા... (વાર્તા)

બાવીસ વરસનો સ્તવન આજે ખુબ નારાજ હતો અને તેની નારાજગીનુ કારણ હતુ તેના પિતા અજીતરાય નો કરકસરીયો કહો કે કંજુસ એવો સ્વભાવ. આમ જોવા જઈએ તો કરકસર અને કંજુસાઈ વચ્ચેની ભેદ રેખા બહુજ પાતળી હોય છે અને આજકાલની પેઢી તેને સમજવામા બહુજ નાકામિયાબ છે. તેનાજ ભાગ રૂપે આજે સ્તવન અને તેની માતા દર્શનાબહેન વચ્ચે અજીતરાયના નામનુ રામાયણ ભજવવા જઈ રહ્યું હતું.
 
'મમ્મી ક્યાં સુધી પપ્પાના હુકમોનું પાલન કરતા રહેવાનું? હજુ સુધી મને મારી રીતે કામ નથી કરવા દેતા, તુ નાનો છું એમ કહીને બધુ ટાળી દે છે. ક્યાં સુધી?' સ્તવન ના અવાજ માં આક્રોશ સાફ સાફ દેખાતો હતો.
 
'બેટા વળી પાછુ શું થયું? તમારે બાપ-બેટાને જે કરવુ હોય તે કરો મને શું કામ વચ્ચે લો છો?' દર્શનાબહેને પોતાની જાતને બાપ-બેટાના યુધ્ધની બહાર રાખતી દિવાલ બાંધીને કહ્યું.
 
'મમ્મી હવે તો હદ થાય છે, હમણાજ પપ્પામને રસ્તામાં મળ્યા હતા, હું મારા મિત્ર જોડે વાત કરી રહ્યો હતો અને મારું ખખડધજ લ્યુના ચાલુ હતુ તો પપ્પા મારા મિત્રની સામે આવીને મને કહે કે વાતજ કરવી હોય તો લ્યુના બંધ કરીદે અથવાતો તારા મિત્રને ઘરે બોલાવીલે. આમ મફતમાં પેટ્રોલ શું કામ બાળે છે? તને ખબર તો છે કે પેટ્રોલનો ભાવ પંચાવને પહોંચ્યો છે?'
 
'તો એમણે શું ખોટુ કીધું?' દર્શનાબહેને શાંત સ્વરે પુછ્યું. પણ એમને એ વાતનો અંદેશો નહતો કે સ્તવન ધીરે ધીરે રામાયણને મહાભારત તરફ દોરી જવાનો છે. અને અજીતરાય આ વાતના મુકસાક્ષી બનવા અને બન્નેની વાતો સાંભળવા ઓરડાની બહાર ખુરશી પર ક્યારનાય છાપુ લઈને બેસી ચુક્યા છે.
 
'જોયું ને તમે પણ તરતજ પક્ષ લીધોને એમનો, કોઈએ મને પુછ્યું કે આવુ કેમ કર્યું? પપ્પા પણ મારા મિત્ર સામે મારી ઇજ્જત કાઢતા ગયા અને હવે તમે પણ કશુંજ જાણ્યા વગર એમનો પક્ષ લો છો.'
 
'ઝડપથી બોલી નાંખ, હમણાંજ તારા પપ્પા આંટો મારીને પાછા આવતા હશે અને પછી તમારા બાપ-બેટાની લડાઈમાં મારે સુડી વચ્ચે સોપારી નથી બનવું.'
 
'તમનેતો ખબર છે કે આખુ એન્જીનીયરીંગ મેં આ ખખડધજ લ્યુના પર પુરુ કર્યું, અને હવેતો આના સ્પેર્સ પણ નથી મળતા, અને લ્યુના બંધ થયા પછી મહામહેનતે ચાલુ થાય છે. પપ્પા શું મને એટલો મુર્ખ માને છે કે હું પેટ્રોલનો ધુમાડો કરતો ફરું? એકતો પોકેટમનીમાંથીજ બધુ કરવાનું. પેટ્રોલ વેડફવું મને પણ પોસાય તેમ નથી અને તે પણ માત્ર હજાર રૂપિયાના પોકેટમની માં. મે કેટલીયવાર કીધું પપ્પાને કે મારા બધા મિત્રો પાસે એકથીએક ચઢિયાતા બાઈક્સ છે અને હું...' બસ આટલુ બોલી એ શબ્દો ગળી ગયો.
 
'ઠીક છે બેટા, એમને નહી ખબર હોય કે તારા લ્યુનામાં તકલીફ છે. પણ તુ આવી રીતે ગુસ્સો કરે તે કેમ ચાલે? જવાદે બધી વાત મને કહે કે તારી ફાઈનલ એક્ઝામનું રિઝલ્ટ કાલે આવવાનું છે ને? અને બેટા સમજ, તમને જે બધી સવલતો મળે છે એવી સવલતો એમના આટલા પગારમાં પણ તમને આપે છે તેનો તમારે આભાર વ્યક્ત કરવો જોઈએ. છેલ્લા વીસ વરસથી તે પણ તેમનુ જુનુ સ્કુટર વાપરે છે ને?' દર્શનાબહેને વાતને શાંતીથી સમજાવતા અને બન્ને માંથી કોઈનો પણ પક્ષ લીધા વગર બાપ-બેટા વચ્ચે સેતુ બાંધવાનું શરૂ કર્યું. કેમકે તે પણ જાણતા હતા કે દેખા-દેખીના જમાનામાં સામાન્ય ગેરસમજ બાપ-બેટાને હંમેશને માટે અલગ કરી શકે છે. અને આજે સ્તવન જે રીતે બોલી રહ્યો હતો અને તે પરથી દર્શનાબહેને ખુબ શાંતીથી અને વિચારીને પરિસ્થિતી સંભાળવાની હતી.
 
'ચલો જવા દો પણ ખબર છે મારી લાસ્ટ એક્ઝામ હતી અને હું ફોન પર મારા મિત્ર પાસેથી ઇમ્પોર્ટન્ટ નોટ્સ લેતો હતો ત્યારે તેમણે તેમના હીટલરી અંદાઝ માં શું કહ્યું હતું?' આજે સ્તવન પોતાની અંદર રહેલો બધોજ લાવા બહાર ઠાલવી રહ્યો હતો. અને બહાર બેઠા બેઠા અજીતરાય પોતાના પુત્રને ન-તો માત્ર સાંભળી રહ્યા હતા પણ ઘણું બધુ સમજી પણ રહ્યા હતા.
 
'હા યાદ છે, એમણે તે વખતે કહ્યું હતું કે આટલી લાંબી વાતો કરીને ફોન નુ બિલ વધારવું એના કરતા એના ઘરે જઈનેજ નોટ્સ લેતો આવને? હા તો એમાં ખોટુ શું કહ્યું હતું. વેદાંગ તો બાજુની સોસાયટીમાંજ રહે છે.'
 
'જોયું ફરીથી તમે સીધો એમનો પક્ષ લઈ લીધો, તમને એ ના સમજાયું કે એક્ઝામના દિવસે ખોટી દોડાદોડ કરવાથી સીધી અસર મારા રિઝલ્ટ પર પડી શકે છે. છેલ્લે ઘડીએ આ બધુ ટેન્શન કોણ લે એટલે મે ફોન પર થોડી વાતો લાંબી કરી હતી.'
 
'પણ બેટા પાછળથી તુજ એક વાર વેદાંગને કહેતો હતો કે તે દિવસે હું તારા ઘરે આવ્યો હોત તો મને બીજા બે ત્રણ ઓપ્શન મળ્યા હોત. તુ એમ કેમ નથી વિચારતો કે તારા પપ્પા પૈસા કોના માટે ભેગા કરે છે?'
 
'તમે શબ્દો ના પકડી પાડો, મે કદાચ એવુ કીધુ હશે પણ તે વખતની કંડીશન તમને ના ખબર પડી. અને પૈસાનું શું કરવાનુ જ્યારે કોઈના કામમાંજ ના આવવાના હોય તો?' સ્તવને ફરીથી કોઈ બીજી અણગમતી વાત તેના મગજમાંથી બહાર કાઢી.
 
'એટલે શું કહેવા માંગે છે?'
 
'યાદ છે કોલેજ નો છેલ્લો કલ્ચરલ ફેસ્ટીવલ હતો, અને મે નવા કપડાની માંગ કરી હતી ત્યારે પપ્પાએ શું કહ્યું હતું?'
 
'હા યાદ છે.'
 
'હા તો શું એ બરોબર હતુ? તે દિવસે પપ્પાએ મારી આખી તિજોરી ખાલી કરાવી હતી અને કહ્યું હતું કે આટલી બધી જોડીઓ પડી છે અને હવે કપડા ના ફાટે ત્યાં સુધી નવા કપડાની જીદ્દ નહી કરવાની. ત્યારે તેમને એમ કેમ ના ખબર પડી કે આ બધા કપડા હું છેલ્લા બે વરસથી પહેરતો આવ્યો છું અને કલ્ચર ફેસ્ટીવલ માટે એકાદ જોડી લઉ એમાં ખોટુ શું હતું?'
 
'બેટા તારી વાત સાચી, પણ સમજ તો ખરો કે એ બધા ફેન્સી કપડા તુ નોકરી જોઈન કરીશ ત્યારે થોડો પહેરી શકવાનો છું, અને એકાદ વાર પહેરવા માટે ખોટા હજાર રૂપિયા થોડા ખર્ચાય?'
 
'હા એટલે બધુ મારેજ સમજવાનું?'
 
'બેટા એવુ નથી, પણ મારી વાત ખોટી હોય તો કહે?'
 
'ચલો માની લઉ, પણ છ મહીના પહેલા જ્યારે મારે પ્રોજેક્ટ્સ જોઈતો હતો ત્યારે પણ પપ્પાએ મને મદદ નહોતી કરી, તેનુ શું? પપ્પા આટલી સરસ એન્જીનીયરીંગ કંપનીમાં જોબ કરે છે, સારા કોન્ટેક્ટ્સ હતા અને મારે ટેન્શન વગર પ્રોજેક્ટ્સ પતી જાય તેમ હતુ છત્તાં પણ તેમણે મને તેમની કંપનીમાં રેકમ્ન્ડેટ નહોતો કર્યો અને આખુ વરસ હું માત્ર મારા પ્રોજેક્ટ્સના લીધે ટેન્શનમાં ફરતો હતો. જ્યારે મારા મિત્રો, કોઈ પણ કંપની માંથી પ્રોજેક્ટ્સને કોપી મારી જલ્સા કરતા હતા.'
 
'જો બેટા એ મારો વિષય નથી, પણ તારા પપ્પાએ તારા ભલા માટેજ કર્યું હશે ને? અને તે જાતે મહેનત કરીને પ્રોજેક્ટ્સ કર્યો તો તને શિખવા પણ મળ્યું હશે ને?' દર્શનાબહેને સ્તવનને સમજાવતા કહ્યું.
 
'તમારી સામે વાદ-વિવાદ કરવો બેકાર છે, તમે તો માત્ર તેમના ધર્મપત્નીજ રહેવાના, પુત્રની સમસ્યા અને ફરીયાદો માં તમને રસ નથી.' બસ આટલુ બોલી સ્તવન પગ પછાડતો પોતાના રૂમમાં જતો રહે છે. તે બહાર નીકળે છે ત્યારે તેને એ પણ અંદાજ નથી રહેતો કે અજીતરાય ખુરશી પર બેઠા હતા અને બધી વાતોના મુકસાક્ષી બની ચુક્યા છે.
 
******
 
અજીતરાય હવે પોતાની ખુરશી માંથી ઉભા થઈ પોતાના રૂમ તરફ જાય છે અને દર્શનાબહેનને એટલુંજ કહે છે 'મે તમારી બધી વાતો સાંભળી છે પણ તુ સ્તવનને આ વાત ના કરતી. કાલે એનુ રિઝલ્ટ આવવાનું છે તો પછી બધી ચર્ચા શાંતીથી કરીશું. અને રાતના દસ વાગ્યા છે તો ચલો સૂઈ જઈએ.' દર્શનાબહેને પણ વાતને ખોલવાનું કે ચર્ચા કરવાનું ઉચિતના લાગ્યું અને તેમણે પણ અજીતરાયના સ્વર માં સ્વર મિલાવી દીધો અને બોલ્યા 'હજુ નાદાન છે, હજુ એને સમજણ નથી, જ્યારે પોતે કમાશે ત્યારે બધીજ ગણતરીઓ આપોઆપ આવડી જશે.'
 
****** 
 
રાતની બધી બબાલો સમેટીને અજીતરાય પોતાની ઓફીસ તરફ પ્રયાણ કરે છે, જતા પહેલા દર્શનાબહેનને કહેતા જાય છે 'સ્તવનનું રિઝલ્ટ આવે એટલે મને ફોન કરજે.' આ બાજુ દર્શનાબહેન સ્તવનને ઉઠાડવા તેના રૂમ તરફ જાય છે. 'સ્તવન ઉભોથા બેટા તારે રિઝલ્ટ લેવા નથી જવાનુ?'
 
'સ્તવન, મમ્મી કેટલા વાગ્યા? પપ્પા ઓફીસ ગયા કે નહી?'
 
'આઠ વાગ્યા છે અને તારા પપ્પા હમાણાજ નીકળ્યા. તારે કંઈ કામ હતું?' કાલ નો ગુસ્સો એમનો એમ છે કે નહી તે ચેક કરવા દર્શના બહેને સવાલ કર્યો.
 
'ના મારે શું કામ હોય, અને કામ હોય તોય સવાર સવાર માં તેમની કંજુસાઈ કોણ સહન કરે? સ્તવન હજુ પણ ટસ નો મસ થયો નહતો.
 
'ચલ બેટા તૈયાર થઈ જા, નાસ્તો તૈયાર છે.'
 
'ઓકે મમ્મી હું ફટાફટ નાહીને આવુ છું, તુ મારા કપડા તૈયાર રાખજે.'
 
સ્તવન ફટાફટ નાસ્તો કરીને પોતાનુ લ્યુના લઈને રિઝલ્ટ લેવા કોલેજ જવા રવાના થયો. અને આ બાજુ દર્શનાબહેન પોતાના ગ્રુહકાર્યમાં લાગી ગયા. મનમાં થોડો ફફડાટ તો હતોજ કે કાલની વાત વખતે સ્તવન પેલી નોટ્સ અને પ્રોજેક્ટ્સની વાત કરતો હતો જો તેમાં તેનુ રિઝલ્ટ ધાર્યા મુજબ ના આવ્યું તો કાલ નું રામાયણ આજે મહાભારત બની શકે છે અને અજીતરાય ભલે કાલે કશુંજ ના બોલ્યા પણ આખરે તો તે પણ સ્તવનના બાપ છે. સ્તવનને મળેલો આ ગુસ્સો તો અજીતરાયનો વારસોજ છે. અને આજે જો એવું થયું તો શું થશે? બસ આજ વિચારોમાં દર્શનાબહેન કાગ ના ડોળે સ્તવનની રાહ જોતા વિચારો માં ખોવાયેલા રહ્યા.
 
બપોરના ચાર વાગી ગયા પણ સ્તવન આવ્યો નહી અને ફોન પણ ઉપાડતો નથી શું થયું હશે? દર્શનાબહેન વિચારી રહ્યા હતા ત્યાંજ અજીતરાયનો ફોન આવે છે 'સ્તવનના રિઝલ્ટનું શું થયું? તમે લોકો ફોન કેમ નથી કરતા?' અજીતરાય અણગમો વ્યક્ત કરીને પુછી રહ્યા હતા.
 
'હજુ સ્તવન નથી આવ્યો અને તે ફોન પણ ઉપાડતો નથી, કદાચ કાલની વાતોનું ખોટુ તો નહી લાગ્યું હોય ને, મને તો ફિકર થાય છે, તમે તપાસ કરો?' દર્શનાબહેન ચિંતીત સ્વરે બોલી રહ્યા હતા પણ તેમના મગજ માં હવે જાત જાતના વિચારો દોડી રહ્યા હતા. આખરે એક જુવાન છોકરો આમ ગુસ્સો કરીને ગયો છે અને જો કંઈ ખોટુ કરી બેઠો તો?
 
'ચિંતા ના કરીશ હું તપાસ કરુ છું. અને પછી તને ફોન કરુ છું.' અજીતરાય પણ સમય પારખી ગયા અને ક્ષણનો પણ વિલંબ કર્યા વગર સ્તવનને ફોન લગાવે છે. પણ સ્તવન નો ફોન સ્વિચ ઓફ બતાવે છે એટલે તરતજ અજીતરાય સ્તવનના મિત્રો ને ફોન કરે છે. અને સાચી માહિતી મેળવે છે.
 
'દર્શના, મારી વાત થઈ ગઈ છે અને સ્તવન તેના મિત્રો જોડે ક્યાંક બહાર ગયો છે અને તેનુ રિઝલ્ટ પણ સારુ છે. ટોપ ટ્વેન્ટીમાં તેનો નંબર છે. બસ આટલી માહિતી મળી છે. તો સાંજે તેને ભાવતુ બનાવજો અને હું પણ ઓફીસથી મિઠાઈ લઈને વહેલો ઘરે પહોંચીશ.' અજીતરાય તેમના સ્વભાવ મુજબ સાંહીઠ સેકન્ડમાં આખી વાર્તા સમજાવીને ફોન મુકે છે.
 
દર્શનાબહેન ચિંતા મુક્ત થાય છે પણ હજુ વિચારે છે કે સ્તવન કેમ આટલો મોડો પડ્યો. બસ હવે પછી તેમણે તેમનો સમય સ્તવનની રાહ માં અને સ્તવન માટે તેને ગમતા ભોજન બનાવવા માટે કાઢવાનો છે.
 
******
 
'હાય મમ્મી, સોરી, હું લેટ છું અને કાલની બબાલમાં હું મારો ફોન ચાર્જ કરવાનુ ભુલી ગયો હતો.' સાંજે સાત વાગે સ્તવન ઘરે પહોંચે છે અને મમ્મીનો ચહેરો વાંચીને સોરી ફીલ કરે છે.
 
'બેટા પણ બીજાના મોબાઈલથી તો ફોન કરાય ને? તને ખબર છે મને કેટલી ચિંતા થતી હતી? કાલે તે જે રીતે ગુસ્સો કર્યો હતો મને કેવા કેવા વિચારો આવતા હતા?'
 
'સોરી મમ્મી, પણ ખુશખબર તો સાંભળ. મારો યુનીવર્સીટીમાં પંદરમો નંબર આવ્યો છે. અને મારો પ્રોજેક્ટ્સ પહેલા નંબરે આવ્યો છે અને મારા સાહેબ કહેતા હતાકે એક કંપની મારા પ્રોજેક્ટ્સમાં ઇન્ટરેસ્ટેડ છે અને તેઓ મારો પ્રોજેક્ટ્સ જોવા સિંગાપોર થી આવવાના છે.'
 
'ગ્રેટ બેટા, જોયું ને તારી મહેનત રંગ લાવીને. તારા પપ્પા પણ હમણા મિઠાઈ લઈને આવતાજ હશે. અને આજે મે તારા માટે તારું મનગમતુ ભોજન પણ બનાવ્યું છે.' દર્શનાબહેનના ચહેરા પર બધીજ ચિંતાની રેખાઓ દુર થઈ જાય છે અને અચાનક ઉત્સાહ જાગી ઉઠે છે.
 
'યેસ મોમ. અચ્છા બીજુ સાંભળ, પણ મમ્મી મારા સાહેબ કહેતા હતા કે એ કંપનીએ મારી ડિટેઈલ બે મહીના પહેલા કોલેજ માંથી લીધી હતી અને તેમણે કોન્ટેક્ટ્સ પણ કર્યા હતા પણ તે જવાબ નહોતો આપ્યો. એવુ કેમ કીધુ હશે? તને કોઈ ફોન કે ટપાલ મળી હતી આ કંપનીની?' સ્તવને આશ્ચર્ય વ્યક્ત કરતા પુછ્યું.
 
'આનો જવાબ હું આપુ છું.' અજીતરાયે ઘર માં પ્રવેશ થતાજ ઘટસ્ફોટ કર્યો.
 
'અમે સમજ્યા નહી?' સ્તવન અને દર્શનાબહેન આશ્ચર્ય સાથે બોલી ઉઠ્યા.
 
'એ કંપનીએ એક લેટર મોકલ્યો હતો જે મારા હાથમાં આવ્યો હતો અને તેઓ તે પ્રોજેક્ટ્સ માટે તને જોબ પણ ઓફર કરશે અને તારા પ્રોજેક્ટ્સને રીયલ વે માં માર્કેટ માં લોન્ચ પણ કરશે.'
 
'પપ્પા આ બધી વાત તમે મારાથી છુપાવી રાખી એવુ કેમ કર્યું?' સ્તવનનો રાતનો ગુસ્સો ફરીથી તેના મગજ પર હાવી થવા જઈ રહ્યો હતો.
 
'બેટા પહેલા તો શાંત થઈ જા અને કાલનો ગુસ્સો થુંકી નાંખ, અને મને સમજવાનો પ્રયત્ન કર. તે વખતે તારી પરીક્ષા ચાલુ હતી અને જો આ ગુડન્યુઝ તને તે વખતેજ મળી જાત તો તુ બાકી ના પેપેર્સ માં મહેનત ના કરત, કેમકે આ કંપની તને સિંગાપોર બોલાવે છે અને ટેન થાઉસ્ન્ડ નું પેકેજ પણ આપવા માંગે છે. અને તે વખતે મે તેમને તારા બદલે મેઈલ કર્યો હતો અને કહ્યું હતુ કે મારી એક્ઝામ બાદ હું તમને કોન્ટેક્ટ્સ કરીશ.'
 
સ્તવનને હવે પોતાની નાદાનીયત ઉપર અફસોસ વ્યક્ત થતો હતો અને તે પોતાને ભુલો વિચારી રહ્યો હતો. તે ભીની આંખે અજીતરાયના ચરણસ્પર્શ કરી આશીર્વાદ લે છે. અને અજીતરાય તેને પકડીને ગળે ભેટી પડે છે. ખુશીનુ વાતાવરણ હરખના આંસુથી મહેકે તે પહેલાજ દર્શના બહેન બન્ને ને રસોડા માંથી બુમ પાડીને કહે છે કે ચલો હવે બાકીની વાતો પછી કરજો અને બાપ બેટાનું સ્નેહસંમેલન પુરુ થયું હોય તો જમવા આવી જાઓ. ખાવાનુ ઠંડુ થાય છે. આજે ખરી રીતે બાપ-બેટાનું મિલન થાય છે અને વિચારો વચ્ચેની ભેદરેખા ઓગળી જાય છે.
 
યોગેન્દુ જોષી : ૧૪/૦૮/૨૦૧૦

1 comment: