ગુરૂવારનો મારો નિત્યક્રમ, સાંઈબાબા ના દર્શને જવાનો. એ બહાને તત્વને ફ્લેટના સીમેન્ટીયા વાતાવરણ માંથી બહારની તાજગીનો અનુભવ કરાવવાનો. સામાન્ય રીતે અમે અખબારનગરના એરીયામા ગોપી અન્નક્ષેત્ર ના સાનિધ્યમા રહેલ સાંઈબાબાના દર્શને જતા હોઈયે છીએ. અને દર્શન બાદ તત્વને ત્યાં તેની ઉંમર ના બીજા બારક્સો જોડે તોફાન કરવા છુટ્ટો મુકીએ અને અમે પતિ-પત્ની આખા દિવસના અનુભવો, જુની નવી વાતોનો આનંદ લઈએ.
પણ કાલનો એક પ્રસંગ મારી આંખ સામે રમાઈ ગયો અને હું કવિતા છોડી કદાચ પહેલી વાર ટુંકી વાર્તા કે ગદ્ય તરફ વળી ગયો તેની મને પણ ખબર ના પડી.
દર ગુરૂવારની જેમ કાલે પણ દર્શન કરી હુ, ખુશાલી (મારી વાઈફ) અને દોઢ વરસ નો ટેણિયો (તત્વ) પાળી પર બેઠા હતા. તત્વનુ મન માત્ર મારા હાથ મા રહેલા પ્રસાદ ઉપર હતુ. એને ખબર હોય છે કે જે-જે કર્યા પછી મ-મ ખાવા મળે. હું તને નહી આપુ એવો ડોર કરી શાંતીથી પાળી પર બેઠો. મારી બાજુમાં પહેલે થી એક દંપતિ બેઠેલુ હતુ જેમને હળવુ સ્મિત આપી બાજુમા બેસવાની રજા માંગી.
તત્વનો અવાજ થોડો તીવ્ર થઈ રહ્યો હતો કેમ કે તેને મ-મ લઈ રમવા જવુ હતુ. મારી પાસે આવી ને બોલ્યો પા-પા, મ-મ. અને હું તેની ઠેકડી ઉડાવી રહ્યો હતો. ત્યાંજ ખુશાલીએ બાજુ મા રહેલા બહેન જોડે ઔપચારિક વાત શરુ કરી. પેલા બહેન બોલ્યા તમારો ટેણિયો તોફાની લાગે છે જે અમે હસતા હસતા સ્વીકાર્યું કેમ તે સત્ય હતુ. તેને બે ઘડી ક્યાંક બેસી ને રમતા હજુ આવડ્યું નહોતુ, બસ દોડા-દોડની રમત.
થોડીવાર પછી મને ધ્યાન ગયુ કે તત્વ આક્રોશ વ્યક્ત કરે તે પહેલા એને એનુ મ-મ આપી છુટ્ટો મુકી દઈએ તો શાંતીથી વાતો થાય. મારા હાથ મા સાદા મમરા અને ચણાનો પ્રસાદ હતો. મે તત્વ ને આપ્યો. તત્વ મમરા મમરા ખાઈ ગયો અને પછી ચણાના ભાવ્યા. એટલે એની ટેવ મુજબ એ મારી પાસે આવ્યો અને બોલ્યો પા-પા મ-મ લે, એમ કરી એણે એક પછી એક ચણા મારા મોઢા મા મુકવા માંડ્યા. આ બાજુ ખુશાલીની વાતો પેલા બહેન જોડે ચાલુ હતી. ખુશાલી કહી રહી હતી કે જે વસ્તુ તત્વને ના ભાવે એ વસ્તુ તે સીધી અમારા મોઢા માં મુકી જાય. આ વાત સાંભળી અમે ત્રણ જણા હસી પડ્યા. પણ પેલા ભાઈ ના હસ્યા. તેમના ચહેરા પર મને તંગ રેખાઓ ઉપસેલી જણાતી હતી. મન વધુ હળવુ કરવા ખુશાલીની વાત મા ટાપસી પુરી મે મજાક શરુ કરી, અને બોલ્યો કે તત્વ હાલ ખવડાવે છે તેનો વાંધો નહી પણ જ્યારે હુ ઘરડો થઊ અને ત્યારે પા-પા, મ-મ લે કહે તો સારુ રહેશે.
બસ આ નાનકડી વાત સાંભળી ને પેલા ભાઈ અચાનક ઉભા થઈ ગયા અને તેની પત્ની સામે જોઈ બોલ્યા ચાલ ઘરે જઈએ. પેલા બહેન બોલ્યા કે હજુ હમણા તો આવ્યા છીએ, શાંતી થી જવાય છે. ત્યાં પેલા ભાઈ સહેજ ગુસ્સામા બોલ્યા આપણે જઈએ. અને પેલા બહેન સહેજ મોઢુ મચકોડી ઉભા થયા.
અમે અસમંજસ મા પડ્યા કે એવુ તો શુ હશે કે તેઓ આમ વ્યગ્ર થઈ જતા રહ્યા. હજુ તો આ વિચાર ચાલતો હતો ત્યાંજ તત્વ નો પડવાનો અવાજ આવ્યો અને હું તેની પાછળ દોડ્યો. પેલુ દંપતિ ત્યાં ઉભા રહી વાત કરી રહ્યું હતુ અને પેલા ભાઈ નો અવાજ મારા કાને અથડાયો. પેલા ભાઈ ઉંચા અવાજે બોલી રહ્યા હતા કે આ ઉંમરે મારા બાપુજી ને ગામડે નહી મુકી શકુ, આપણા ત્રણ બીએચકે ના ફ્લેટ મા જો મારા બાપુજી તને ના ખમાતા હોય તો... ???
બસ આટલી વાત સાંભળ્યા પછી અને તત્વ ને છાનો રાખી હું ફરી ખુશાલી પાસે આવે બેઠો ત્યાં એણે મને પુછ્યું કે શું લાગે છે પેલુ દંપતિ કેમ જતુ રહ્યું?
હું માત્ર એટલુજ બોલ્યો કે પુત્રધર્મ બજાવવા.
થોડીક શાંતી પછી અમે પાછા અમારી વાતો અને તત્વની ધમાલમા પરોવાઈ ગયા. અને મંદિર ના સ્પીકર પર "ભુલો ભલે બીજુ બધુ માં બાપ ને ભુલશો નહી" વાગી રહ્યું હતુ.
***કથા-બીજ અને પાત્રો કાલ્પનીક છે.
યોગેન્દુ જોષી : ૨૫/૦૬/૨૦૧૦
No comments:
Post a Comment