Monday, June 28, 2010

હું.. (હાઈકુ)

હું પર્વત છુ,
ઝરણ વગર નો,
રોવુ ક્યાં જઈ?
 
હૂં પારેવડુ,
સીમેન્ટ જંગલો નુ,
ઉડુ ક્યાં જઈ?
 
યોગેન્દુ જોષી : ૨૮/૦૬/૨૦૧૦

Friday, June 25, 2010

પુત્રધર્મ...


ગુરૂવારનો મારો નિત્યક્રમ, સાંઈબાબા ના દર્શને જવાનો. એ બહાને તત્વને ફ્લેટના સીમેન્ટીયા વાતાવરણ માંથી બહારની તાજગીનો અનુભવ કરાવવાનો. સામાન્ય રીતે અમે અખબારનગરના એરીયામા ગોપી અન્નક્ષેત્ર ના સાનિધ્યમા રહેલ સાંઈબાબાના દર્શને જતા હોઈયે છીએ. અને દર્શન બાદ તત્વને ત્યાં તેની ઉંમર ના બીજા બારક્સો જોડે તોફાન કરવા છુટ્ટો મુકીએ અને અમે પતિ-પત્ની આખા દિવસના અનુભવો, જુની નવી વાતોનો આનંદ લઈએ. 
 
પણ કાલનો એક પ્રસંગ મારી આંખ સામે રમાઈ ગયો અને હું કવિતા છોડી કદાચ પહેલી વાર ટુંકી વાર્તા કે ગદ્ય તરફ વળી ગયો તેની મને પણ ખબર ના પડી.
 
દર ગુરૂવારની જેમ કાલે પણ દર્શન કરી હુ, ખુશાલી (મારી વાઈફ) અને દોઢ વરસ નો ટેણિયો (તત્વ) પાળી પર બેઠા હતા. તત્વનુ મન માત્ર મારા હાથ મા રહેલા પ્રસાદ ઉપર હતુ. એને ખબર હોય છે કે જે-જે કર્યા પછી મ-મ ખાવા મળે. હું તને નહી આપુ એવો ડોર કરી શાંતીથી પાળી પર બેઠો. મારી બાજુમાં પહેલે થી એક દંપતિ બેઠેલુ હતુ જેમને હળવુ સ્મિત આપી બાજુમા બેસવાની રજા માંગી. 
 
તત્વનો અવાજ થોડો તીવ્ર થઈ રહ્યો હતો કેમ કે તેને મ-મ લઈ રમવા જવુ હતુ. મારી પાસે આવી ને બોલ્યો પા-પા, મ-મ. અને હું તેની ઠેકડી ઉડાવી રહ્યો હતો. ત્યાંજ ખુશાલીએ બાજુ મા રહેલા બહેન જોડે ઔપચારિક વાત શરુ કરી. પેલા બહેન બોલ્યા તમારો ટેણિયો તોફાની લાગે છે જે અમે હસતા હસતા સ્વીકાર્યું કેમ તે સત્ય હતુ. તેને બે ઘડી ક્યાંક બેસી ને રમતા હજુ આવડ્યું નહોતુ, બસ દોડા-દોડની રમત.
 
થોડીવાર પછી મને ધ્યાન ગયુ કે તત્વ આક્રોશ વ્યક્ત કરે તે પહેલા એને એનુ મ-મ આપી છુટ્ટો મુકી દઈએ તો શાંતીથી વાતો થાય. મારા હાથ મા સાદા મમરા અને ચણાનો પ્રસાદ હતો. મે તત્વ ને આપ્યો. તત્વ મમરા મમરા ખાઈ ગયો અને પછી ચણાના ભાવ્યા. એટલે એની ટેવ મુજબ એ મારી પાસે આવ્યો અને બોલ્યો પા-પા મ-મ લે, એમ કરી એણે એક પછી એક ચણા મારા મોઢા મા મુકવા માંડ્યા. આ બાજુ ખુશાલીની વાતો પેલા બહેન જોડે ચાલુ હતી. ખુશાલી કહી રહી હતી કે જે વસ્તુ તત્વને ના ભાવે એ વસ્તુ તે સીધી અમારા મોઢા માં મુકી જાય. આ વાત સાંભળી અમે ત્રણ જણા હસી પડ્યા. પણ પેલા ભાઈ ના હસ્યા. તેમના ચહેરા પર મને તંગ રેખાઓ ઉપસેલી જણાતી હતી. મન વધુ હળવુ કરવા ખુશાલીની વાત મા ટાપસી પુરી મે મજાક શરુ કરી, અને બોલ્યો કે તત્વ હાલ ખવડાવે છે તેનો વાંધો નહી પણ જ્યારે હુ ઘરડો થઊ અને ત્યારે પા-પા, મ-મ લે કહે તો સારુ રહેશે.
 
બસ આ નાનકડી વાત સાંભળી ને પેલા ભાઈ અચાનક ઉભા થઈ ગયા અને તેની પત્ની સામે જોઈ બોલ્યા ચાલ ઘરે જઈએ. પેલા બહેન બોલ્યા કે હજુ હમણા તો આવ્યા છીએ, શાંતી થી જવાય છે. ત્યાં પેલા ભાઈ સહેજ ગુસ્સામા બોલ્યા આપણે જઈએ. અને પેલા બહેન સહેજ મોઢુ મચકોડી ઉભા થયા.
 
અમે અસમંજસ મા પડ્યા કે એવુ તો શુ હશે કે તેઓ આમ વ્યગ્ર થઈ જતા રહ્યા. હજુ તો આ વિચાર ચાલતો હતો ત્યાંજ તત્વ નો પડવાનો અવાજ આવ્યો અને હું તેની પાછળ દોડ્યો. પેલુ દંપતિ ત્યાં ઉભા રહી વાત કરી રહ્યું હતુ અને પેલા ભાઈ નો અવાજ મારા કાને અથડાયો. પેલા ભાઈ ઉંચા અવાજે  બોલી રહ્યા હતા કે આ ઉંમરે મારા બાપુજી ને ગામડે નહી મુકી શકુ, આપણા ત્રણ બીએચકે ના ફ્લેટ મા જો મારા બાપુજી તને ના ખમાતા હોય તો... ???
 
બસ આટલી વાત સાંભળ્યા પછી અને તત્વ ને છાનો રાખી હું ફરી ખુશાલી પાસે આવે બેઠો ત્યાં એણે મને પુછ્યું કે શું લાગે છે પેલુ દંપતિ કેમ જતુ રહ્યું?
 
હું માત્ર એટલુજ બોલ્યો કે પુત્રધર્મ બજાવવા.
 
થોડીક શાંતી પછી અમે પાછા અમારી વાતો અને તત્વની ધમાલમા પરોવાઈ ગયા. અને મંદિર ના સ્પીકર પર "ભુલો ભલે બીજુ બધુ માં બાપ ને ભુલશો નહી" વાગી રહ્યું હતુ.  
 
***કથા-બીજ અને પાત્રો કાલ્પનીક છે.
 
યોગેન્દુ જોષી : ૨૫/૦૬/૨૦૧૦

Wednesday, June 23, 2010

સુર્ય... (હાઈકુ)

સુર્ય-કિરણ,
કોનો કરે શ્રુંગાર,
કેસરી સાંજે.
 
ક્ષિતીજે લાગે,
સુર્ય ડુબ્યો સાગરે,
આગ ઠારવા.
 
યોગેન્દુ જોષી : ૨૩/૦૬/૨૦૧૦

Tuesday, June 22, 2010

સાગર-કિનારો... (હાઈકુ)

તોફાની મોજા,
સાગર ક્યાં સાચવે,
કિનારો છે ને!
 
સાંત્વના આપી,
કિનારો કહે એને,
હજુ રડી લે...
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૬/૨૦૧૦

ચંદ્ર-સુર્ય... (હાઈકુ)

ઉછીના તેજે,
ચંદ્ર રોજ રાતે,
કળા કરે છે.
 
પ્રકાશસ્ત્રોત,
સુર્યને છતા પણ,
ક્યાં ગર્વ છે?
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૬/૨૦૧૦
 
 
 

Saturday, June 19, 2010

વાત છે...

હૈયાને બાળવાની વાત છે,
શબ્દોને ગાળવાની વાત છે.
 
યાદોમા તાજગી ક્યાંથી ભરુ,
સ્વપ્નાઓ ટાળવાની વાત છે.
 
થાકીને બંધ રાખ્યા છે નયન,
આંસુઓ ખાળવાની વાત છે.
 
માંગી છે યોગ તન્હાઇ હવે,
દોસ્તોને ચાળવાની વાત છે.
 
યોગેન્દુ જોષી : ૧૯/૦૬/૨૦૧૦

પાક વાણી... (શેર)

આ છે જમાનાની પાક વાણી,
ખારાશને મીઠુ નામ આપ્યું.
 
યોગેન્દુ જોષી : ૧૯/૦૬/૨૦૧૦

Friday, June 18, 2010

એટલે ગમ્યો છું...

પ્રેમથી નમ્યો છું,
એટલે ગમ્યો છું.
ક્રોધને ત્યાગીને,
મૌનથી શમ્યો છુ.
 
યોગેન્દુ જોષી : ૧૮/૦૬/૨૦૧૦

Thursday, June 17, 2010

પતંગિયું...

એકલતા ની છાંવ માં,
એક સ્વપ્નીલ પતંગિયું,
યાદો ના રંગ મુકી ગયું,
 
હૈયા ને તોય કેમ લાગ્યું,
કે કશુંક લઇ ગયું.
 
યોગેન્દુ જોષી : ૧૭/૦૬/૨૦૧૦

પીડા...

પત્થર મારી પુછો તમે,
વેદના તો નથી ને?
હું પુછુ પેલા પત્થર ને,
તને પીડા તો નથી ને?
 
યોગેન્દુ જોષી : ૧૭/૦૬/૨૦૧૦

Wednesday, June 16, 2010

ઓસડ ના કર...

વાદળા ઘેરી ગડગડ ના કર,
પાંદડા વેરી પતઝડ ના કર.
 
દ્રશ્ય તને આખુ સમજાઈ જાશે,
આંખોને વિષાદે સજડ ના કર.
 
ખુશીની ક્ષણ મળેતો સાચવજે,
અમથા દુખના બે પડ ના કર.
 
સબંધોનુ મૂલ્ય આંકીશ નહી, ને;
લાગણી સામે તડ-ભડ ના કર.
 
પ્રેમને નિશ્ચલ પાંગળવા દેજે,
યોગ આડંબરી ઓસડ ના કર.
 
યોગેન્દુ જોષી : ૧૬/૦૬/૨૦૧૦

Thursday, June 10, 2010

વાંધો છે... (શેર)

ખુદાની નિયત પર શક નથી,
પણ મુક્ક્દર સામે વાંધો છે.
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૬/૨૦૧૦

ક્ષણિકાઓ...

(૧) રાહ જોઉં...
 
સંજોગે મળ્યા,
સંગે ફર્યા,
મોત ની આગોશે,
તમે જુદા થયા,
 
હવે તમે કહો તો,
તમારા આગમન ની રાહ જોઉં...
 
(૨) ગુનેગારો...
 
સાગર ની લહેરો,
સમય ની આંધી,
પગલા ભુંસી જાય છે.
 
આ ગુનેગારો ને,
સજા કોણ દેશે?
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૬/૨૦૧૦

નટખટ ચોર ક્યાં છે... (ગીત)

ગોકુળીયા ગામમાં,
વાંહળીના સુર જો રેલાય,
સુર જો રેલાય,
ગોપીઓના હૈયામાં થનગનાટ થાય,
ગોપીઓના હૈયામાં થનગનાટ થાય.
 
વાંહળીના સુરમાં,
રૂડી રાધા વલખાય,
રાધા વલખાય,
રાધા ની પાયલમાં થનગનાટ થાય,
રાધા ની પાયલમાં થનગનાટ થાય.
 
નટખટ ચોર ક્યાં છે, નંદકિશોર ક્યાં છે,
ગરબા નુ કે:ણ આપી, કાનો સંતાણો ક્યાં છે.
નટખટ ચોર ક્યાં છે, નંદકિશોર ક્યાં છે,
ગરબા નુ કે:ણ આપી, કાનો સંતાણો ક્યાં છે.
 
ગોપીઓના હૈયામાં,
ભીની વાદળી છલકાય,
વાદળી છલકાય,
મોરલીના તાલે ગાવા થનગનાટ થાય,
મોરલીના તાલે ગાવા થનગનાટ થાય.
 
રાધાની આંખડીમાં,
મીઠા અબોલા વર્તાય,
અબોલા વર્તાય,
કાનાનુ મુખડુ જોવા થનગનાટ થાય,
કાનાનુ મુખડુ જોવા થનગનાટ થાય.
 
નટખટ ચોર ક્યાં છે, નંદકિશોર ક્યાં છે,
ગરબા નુ કે:ણ આપી, કાનો સંતાણો ક્યાં છે.
નટખટ ચોર ક્યાં છે, નંદકિશોર ક્યાં છે,
ગરબા નુ કે:ણ આપી, કાનો સંતાણો ક્યાં છે.
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૬/૨૦૧૦

Tuesday, June 8, 2010

માડી ના પાવન પગલા થયા... (ગરબો)

ઢોલ ના ધબકારે સૈયર,
ગરબો જામ્યો સૈયર,
દેરોલ ના ચોક મા રે,
માડી ના પાવન પગલા થયા,
માડી ના પાવન પગલા થયા.
 
આરતી ને થાળ ગાયા,
દુંદાળા દેવ ગાયા,
દેરોલ ના ચોક મા રે,
માડી ના પાવન પગલા થયા,
માડી ના પાવન પગલા થયા.
 
રૂડી મશાલ બળે,
ફુલો ના હાર ચઢે,
દેરોલ ના ચોક મા રે,
માડી ના પાવન પગલા થયા,
માડી ના પાવન પગલા થયા.
 
બાધા આખડી કરી,
બાવન પ્રસાદી કરી,
દેરોલ ના ચોક મા રે,
માડી ના પાવન પગલા થયા,
માડી ના પાવન પગલા થયા.
 
માડી ની મૂરત હસે,
ભક્તો ના દુખ હરે,
દેરોલ ના ચોક મા રે,
માડી ના પાવન પગલા થયા,
માડી ના પાવન પગલા થયા.
 
યોગેન્દુ જોષી : ૦૮/૦૬/૨૦૧૦

Monday, June 7, 2010

મારો સાયબો... (ગરબો)

મારા દલડા નો ચોર,
મારા મનડા નો મોર,
મારા પાલવ ની કોર, મારો સાયબો.
 
મારા રૂદિયા નો કાન,
મારા પુનમ નો ચાંદ,
મારા હૈયા નો હાર, મારો સાયબો.
 
મારી મહેંદી નો રંગ,
મારી પ્રીત નો ઉમંગ,
મારી ચુડી ની તરંગ, મારો સાયબો.
 
મારા ગજરા નુ ફુલ,
મારા જોબન નુ મુલ.
મારા કંદોરા ની ઝુલ, મારો સાયબો.
 
મારી ટીલડી ની સેર,
મારી નથણી ની સેર,
મારી કડલી ની સેર, મારો સાયબો.
 
મારા કુમ કુમ ની લાજ,
મારા ધડકન નો તાજ,
મારા પ્રીત નો અવાજ, મારો સાયબો.
 
મારા શમણા નો સાથ,
મારા જીવતર નો નાથ,
મારા મન નો શણગાળ, મારો સાયબો.
 
યોગેન્દુ જોષી : ૦૭/૦૫/૨૦૧૦

Saturday, June 5, 2010

મોબાઈલ... (હાઈકુ)

આ મોબાઈલ,
બહુ મોટો ત્રાસ છે,
કોણે બનાવ્યો?
 
ન્હાતા એ વાગે,
અરેરાટી જગાડે,
ઘર ગજાવે.
 
ટં ટું ટું કરે,
ખિસ્સુ આખુ હલાવે,
મુંગો ના રહે.
 
નિંદર તોડે,
ક્યાંયનાય ના છોડે,
રાત બગાડે.
 
શાક લાવજો,
એવો મેસેજ આવે,
કામ વધારે.
 
વક્ત બેવક્ત,
બોસ ફોન ગુમાવે,
ને ખખડાવે.
 
પૈસા નો કોલ,
લાખો ની શાંતી હણે,
શોર મચાવે.
 
કામ ના ટાણે,
સિગ્નલ ગાયબ મળે,
ગુસ્સો કરાવે.
 
કોલ સેન્ટરો,
રીંગ મારી મારી ને,
લોન અપાવે.
 
ડાયલ ટોન,
રીંગ ટોન ના નામે,
પૈસા પડાવે.
 
આ મોબાઈલ,
બહુ મોટો ત્રાસ છે,
કોણે બનાવ્યો?
 
યોગેન્દુ જોષી : ૦૫/૦૬/૨૦૧૦

Friday, June 4, 2010

વરસાદ... (હાઈકુ)

ભીની મૌસમ,
વરસાદી સુગંધ,
ભીંજવે મન.
 
ટહુકે મોર,
પવન ચીતચોર,
હૈયા ની કોર.
 
મેહુલો ગાજે,
ધરતી પુત્ર નાચે,
ધરા સંવારે.
 
ચાતકી પ્યાસ,
દિલ કરે છે આસ,
પ્યાર હો પાસ.
 
દાદૂરી ગીત,
આભ નુ સંગીત,
મહેકે પ્રીત.
 
મેઘ મલ્હાર,
વાદળી અંધકાર,
હૈયે બહાર.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૬/૨૦૧૦

રૂડો મેહુલો આયો રે... (અંજની છંદ)

રૂડો મેહુલો આયો રે,
નદી ની તરસે સમાયો રે,
પવન ની કુંખે ભરાયો રે,
તન મન ભાયો રે...
 
રૂડો મેહુલો આયો રે,
ઘનઘોર ઘટા એ છાયો રે,
વનરાવન માં રંગાયો રે,
તન મન ભાયો રે...
 
રૂડો મેહુલો આયો રે,
ધરતી ની ખુશ્બુ લાયો રે,
મોરપંખ થી ભીંજાયો રે,
તન મન ભાયો રે...
 
રૂડો મેહુલો આયો રે,
ફુલો ની મહેક લાયો રે,
પંખી ના ગીતે ગાયો રે,
તન મન ભાયો રે...
 
યોગેન્દુ જોષી : ૦૪/૦૬/૨૦૧૦

Thursday, June 3, 2010

જખ્મો ભોંકી રહ્યા છે ફરી... (ચાર લાઈના)

શબ્દો ટોકી રહ્યા છે ફરી,
રસ્તો રોકી રહ્યા છે ફરી.
 
કાગળ ને શાહી થી કોતરી,
જખ્મો ભોંકી રહ્યા છે ફરી.
 
યોગેન્દુ જોષી : ૦૩/૦૬/૨૦૧૦
 

Wednesday, June 2, 2010

હૈયુ મારું ક્યાં ભીંજાય છે...

આકાશી વાદળ ઘેરાય છે,
હૈયુ મારું ક્યાં ભીંજાય છે.
 
સ્વપ્ન ઝાકળ થઈ ઉડી જાય,
એ ઘા(વ) ઉરે ક્યાં વર્તાય છે.
 
વસંતે ઝુલે છે પીળાશ,
પત્તુ પાછુ ક્યાં રંગાય છે.
 
શબ્દોના ભારા ઉતારુ તો,
પ્યારી ગઝલે ક્યાં છંટાય છે.
 
યોગેન્દુ જોષી : ૦૨/૦૬/૨૦૧૦