Thursday, May 27, 2010

પિતાજી ની સાયકલ...

પિતાજી ની સાયકલ
મારી પહેલી સવારી હતી,
આગળ નાનકડી રબર ની
બનેલી સીટ મારી હતી.
 
થોડા હાંફી, થોડા પરસેવે,
રસ્તો જોશ મા કાપતા હતા,
મારી ફરકડી જોર થી ફેરવવા,
પેડલ પર જોર થી પ્રહારતા હતા.
 
જુનુ નવુ ગીત કે એ બી સી ડી,
ગાતા ગવડાવતા, હસતા હસાવતા,
ગલી નાળિયુ ખેતર ફરતા,
સાયકલ ને ઘંટડી મારી નચાવતા.
 
ખિસ્સા મા રહેતા ચણીબોર,
મુઠ્ઠો ભરી આંબલી ને કાતરા,
પિતાજી ની સાયકલ નો અવાજ સાંભળી,
થતી નાનકડી માંગણી અને ખોટુકલા નખરા.
 
કેવો સુંદર સમય હતો,
અનેરો એક એવો આનંદ હતો,
બાળપણ ની યાદો તણો,
પિતાજી નો અમૂલ્ય પ્રેમ હતો.
 
આજે હુ પિતા છુ અને છે થોડા સવાલો,
શું હું આ ખુશી મારા પુત્ર ને આપી શકીશ?
કાર બાઈક અને ભૌતિકતા ના યુગ મા,
સરલ લાગણી ના પાઠ ભણાવી શકીશ?
 
સાયકલ યુગ નાશપ્રાય થયો છે,
ચણી બોર અને કાતરા કોણ ખાય છે,
કોમ્પ્યુટર ગેમીંગ ના યુગ મા,
ફરકડી માટે પવન ક્યાં વિંઝાય છે.
 
મોટીમસ માંગણી ઓ અને પાછી જિદ્દ,
જુઓ ને બાળ-માનસ ક્યાં જાય છે,
છે ઘણા સવાલો જવાબ વગર ના,
જુઓ પિતાજી ની સાયકલ ધૂળ ખાય છે.
 
યોગેન્દુ જોષી : ૨૭/૦૫/૨૦૧૦

No comments:

Post a Comment