Thursday, May 27, 2010

પિતાજી ની સાયકલ...

પિતાજી ની સાયકલ
મારી પહેલી સવારી હતી,
આગળ નાનકડી રબર ની
બનેલી સીટ મારી હતી.
 
થોડા હાંફી, થોડા પરસેવે,
રસ્તો જોશ મા કાપતા હતા,
મારી ફરકડી જોર થી ફેરવવા,
પેડલ પર જોર થી પ્રહારતા હતા.
 
જુનુ નવુ ગીત કે એ બી સી ડી,
ગાતા ગવડાવતા, હસતા હસાવતા,
ગલી નાળિયુ ખેતર ફરતા,
સાયકલ ને ઘંટડી મારી નચાવતા.
 
ખિસ્સા મા રહેતા ચણીબોર,
મુઠ્ઠો ભરી આંબલી ને કાતરા,
પિતાજી ની સાયકલ નો અવાજ સાંભળી,
થતી નાનકડી માંગણી અને ખોટુકલા નખરા.
 
કેવો સુંદર સમય હતો,
અનેરો એક એવો આનંદ હતો,
બાળપણ ની યાદો તણો,
પિતાજી નો અમૂલ્ય પ્રેમ હતો.
 
આજે હુ પિતા છુ અને છે થોડા સવાલો,
શું હું આ ખુશી મારા પુત્ર ને આપી શકીશ?
કાર બાઈક અને ભૌતિકતા ના યુગ મા,
સરલ લાગણી ના પાઠ ભણાવી શકીશ?
 
સાયકલ યુગ નાશપ્રાય થયો છે,
ચણી બોર અને કાતરા કોણ ખાય છે,
કોમ્પ્યુટર ગેમીંગ ના યુગ મા,
ફરકડી માટે પવન ક્યાં વિંઝાય છે.
 
મોટીમસ માંગણી ઓ અને પાછી જિદ્દ,
જુઓ ને બાળ-માનસ ક્યાં જાય છે,
છે ઘણા સવાલો જવાબ વગર ના,
જુઓ પિતાજી ની સાયકલ ધૂળ ખાય છે.
 
યોગેન્દુ જોષી : ૨૭/૦૫/૨૦૧૦

Wednesday, May 26, 2010

મુક્કદર... (ચાર લાઈના)

મુક્કદર ને મંજુર કીધુ છે,
ઇનાયત, જી હુજુર કીધુ છે.
નિયામત ખુદા ની ઉતરે તો,
લકીરો ને મસ્રુર* કીધુ છે.
 
યોગેન્દુ જોષી : ૨૬/૦૫/૨૦૧૦
 
મસ્રુર* = Glad / Pleased

Tuesday, May 25, 2010

માણસ ગામે નકરો છુ હું...

માણસ સામે અઘરો છુ હું,
માણસ નામે પથરો છુ હું.
 
થોડો જુઠ્ઠો, થોડો ખોટો;
માણસ નામે કચરો છુ હું,
 
ગીતા ના કૌરવો જેવો,
માણસ નામે ખતરો છુ હું.
 
બસ આ વ્હેણ સ્વીકારો તો,
માણસ ગામે નકરો છુ હું.
 
યોગેન્દુ જોષી : ૨૫/૦૫/૨૦૧૦

સાચો ખેલાડી તો ઊપર છે...

નાટક તુ કે હું શું કરવાના,
            દોરી ના છેડા ઓ ઊપર છે.
તેથી તુ ને હું માણસ છીયે,
            સાચો ખેલાડી તો ઊપર છે.
 
યોગેન્દુ જોષી : ૨૫/૦૫/૨૦૧૦

Saturday, May 22, 2010

અરજ કેમ માંગુ...

તારી ઝલક માટે અરજ કેમ માંગુ,
પ્યાસી નજર માટે અરજ કેમ માંગુ.
 
આંખો સજડ કીધી અમે રાહ સામે,
તારી ખબર માટે અરજ કેમ માંગુ.
 
સાંસો ફરી રોકી અમે હામ આપી,
થોડા સમય માટે અરજ કેમ માંગુ.
 
આવી શકે તો આવજે બે ઘડી તુ,
જન્મો જનમ માટે અરજ કેમ માંગુ.
 
યોગેન્દુ જોષી : ૨૨/૦૫/૨૦૧૦

Friday, May 21, 2010

મુકી જઈશું અમે...

આંખો મીંચી નજર મુકી જઈશું અમે,
થોડી મીઠી અસર મુકી જઈશું અમે.
 
મારા વિના સફર નોખી હશે કિંતુ,
સીધી સાદી ડગર મુકી જઈશું અમે.
 
જોજે મારા વગર ઇશ્ક કોને હતો,
સાચો એવો ફરક મુકી જઈશું અમે.
 
ગમ ને ખુશી ફકત તારા હૈયે હશે,
મારી બધી મમત મુકી જઈશું અમે.
 
યોગેન્દુ જોષી : ૨૧/૦૫/૨૦૧૦

Thursday, May 20, 2010

ખુદા મળે... (ચાર લાઈના)

બંદગી તારી ફળે તો ખુદા મળે.
સાદગી માણી રહે તો ખુદા મળે.
 
નેક જીવન ની ફસલ વાવી લે ફરી,
પાપ ની ગઠડી ત્યજે તો ખુદા મળે.
 
યોગેન્દુ જોષી : ૨૦/૦૫/૨૦૧૦

કે મને...

આ ગઝલ ને નામ શું આપુ, કે મને;
આ અગન ને નામ શું આપુ, કે મને.
 
છે અછત શબ્દો તણી હોઠો ને હવે,
આ અસર ને નામ શું આપુ, કે મને.
 
જો કસર લાગે તને મારા પ્રેમ ની,
આ ફરક ને નામ શું આપુ, કે મને.
 
હો નજર વ્યાકુળ તારા દિદાર ની,
આ તલપ ને નામ શું આપુ, કે મને.
 
યોગેન્દુ જોષી : ૨૦/૦૫/૨૦૧૦

Wednesday, May 19, 2010

તુ કેમ રડે? (હાઈકુ)

વાદળ કરે,
મારી આંખડી ભીની,
તુ કેમ રડે?
 
ઝાકળ ખરે,
રચે ઝાંઝવા રણ,
તુ કેમ રડે?
 
સરકે રેત,
સમય ની મુઠ્ઠી થી,
તુ કેમ રડે?
 
છે કંકોતરી,
તારા સગપણ ની,
તુ કેમ રડે?
 
હથેળી મારી,
છોડે હમસફર,
તુ કેમ રડે?
 
નાકામ યોગ,
તોડે ર્રૂણા ના બાંધ,
તુ કેમ રડે?
 
યોગેન્દુ જોષી : ૧૯/૦૫/૨૦૧૦

કંઇ ના જોઈએ...

નથી જોઈતી એસી ની ઠંડક,
નથી જોઈતા સોફા કે મંડપ,
મને તો બસ એક પ્યારી ચીજ જોઈએ,
માં ના સુંવાળા પાલવ સિવાય કંઇ ના જોઈએ.
 
નથી જોઈતી વિદેશી બહારો,
નથી જોઈતો પ્લુટોનિક સહારો,
મને તો બસ એક પ્યારી ચી્જ જોઈએ,
માં ના હેતાળ  હાથ સિવાય કંઈ ના જોઈએ.
 
નથી ફરવા મોટા મોલ,
નથી જોવા મૂવી હોલ,
મને તો બસ એક પ્યારી ચીજ જોઈએ,
માં ના ચરણ તીરથ સિવાય કંઈ ના જોઈએ.
 
યોગેન્દુ જોષી : ૧૮/૦૫/૨૦૧૦

Tuesday, May 18, 2010

સજે રાત્રી ફરી...

આથમે સુર્ય અને જો સજે રાત્રી ફરી,
ચાંદની વલખે અને જો રચે યાદો ફરી.
 
હોશ ખોવા તુ ભરે જામ એવા પ્રેમ ના,
પાનખર મા ખીલવે જો ફુલો તાજા ફરી.
 
યોગેન્દુ જોષી : ૧૮/૦૫/૨૦૧૦
 
 

Saturday, May 15, 2010

જો તો ખરો...

આખરે શું પામવા નો જો તો ખરો,
પાછળે શું બાંધવા નો જો તો ખરો.
 
છીનવી તુ મેળવે છે સુખો બધા,
એકલો  શું માણવા નો જો તો ખરો.
 
પાપ ની તુ ઘાંસડી બાંધે તો ભલે,
જીવતર શું તારવા નો જો તો ખરો.
 
છળ કપટ થી આંખડી ના લાજે જરી,
પાંપણે શું ગાળવા નો જો તો ખરો.
 
સગપણે સ્વાર્થ ગણાવે કાફર બની,
ઠાઠડી શું બાળવા નો જો તો ખરો.
 
યોગેન્દુ જોષી : ૧૫/૦૫/૨૦૧૦
 

Wednesday, May 12, 2010

કબર થી આભ ને હુ આંબી શકુ તો...

નજર ની વાત તારી વાંચી શકુ તો,
ફરી દૈ સાદ એ હું જાણી શકુ તો.
 
બનાવો કૈં બને વિરહ ની સફર મા,
કસક ની રાત જો હું ખાળી શકુ તો.
 
કદી એ મૌન ની દાસ્તાનો જલાવે,
કથાનક આગ ની હું વાંચી શકુ તો.
 
હવેલી મા ચણે ઇશ્ક ના રિવાજો,
ગમો ની ભીંત ને હું પાડી શકુ તો.
 
સમય એ યોગ પાછો આવે પરંતુ,
કબર થી આભ ને હુ આંબી શકુ તો.
 
યોગેન્દુ જોષી : ૧૨/૦૫/૨૦૧૦
 

Tuesday, May 11, 2010

હાશ એક કામ પત્યુ...

હાશ એક કામ પત્યુ,
મારા જીવન મા
શરીર નુ કામ પત્યુ.
 
હવે ખુણો ખાંસસે નહિ,
બટકુ રોટલો માંગશે નહિ.
ખાટલો મારો નડશે નહિ,
દવા મા નાણા ખર્ચાશે નહિ. હાશ એક કામ પત્યુ...
 
ટાબળિયા ને પ્લે રુમ મળશે,
વહુ ને બપોર ની નિંદર મળશે,
પાર્ટી માટે અલાયદો રુમ મળશે,
મક્ત આચરણ ની છુટ મળશે. હાશ એક કામ પત્યુ...
 
જાઊ છુ હરી ના દ્વારે, બધી ઈચ્છા ઓ સંકેલી,
સોંપુ છુ તમને ખેતર, ગાડી અને આ હવેલી,
મારા જ ઘર મા પડ્યો હતો થઈ ને પહેલી,
અંતિમધામ મા હવે કોઈ મને નહિ મુકે હડસેલી. હાશ એક કામ પત્યુ...
 
યોગેન્દુ જોષી : ૧૧/૦૫/૨૦૧૦

શૂન્ય અવકાશ... (શેર)

કબર ની ભીંત ના પડઘા શાંત બન્યા,
અમારો નેક શૂન્ય અવકાશ રહ્યો.
 
કરીબ્ ફા લુન્ : લગાગાગા લગાગાગા ગાલગાગા
 
યોગેન્દુ જોષી : ૧૧/૦૫/૨૦૧૦

Monday, May 10, 2010

માં...

નાભી થી તન સીંચે એ માં,
દૂધ તણુ અમ્રુત દે એ માં,
વહાલ નો પાલવ દે એ માં,
ઘડતર દે એ માં.
 
રૂણ ભુલી સંવાળે એ માં,
સંસ્કારો ને સીંચે એ માં,
પ્રુ-ઇશ્વર નુ સ્વરૂપ એ માં,
જગદાત્રી એ માં.
 
નિજ આનંદ ને ત્યાગે માં,
ભુખી રહી ને જમાડે માં,
દુખ વેઠી ને હસાવે માં,
સત્યાકાર એ માં.
 
પહેલી વાર મે બે નવા શબ્દ ના પ્રયોગ કર્યો છે.
આશા છે, આપ સર્વે ને સ્વીકાર્ય હશે.
 
(પ્રુ-ઇશ્વર = પ્રુથ્વી પર ના ઇશ્વર)
(સત્યાકાર = સત્ય નો આકાર)
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૫/૨૦૧૦
 

Saturday, May 1, 2010

શીદ ને લઉ...

ગમ ની ગઝલ માં નામ એ શીદ ને લઉ, 
ઉર ની તડપ માં નામ એ શીદ ને લઉ.
 
તે ક્યાં કરેલો વાયદો હમસફર નો,
નોખી ડગર માં નામ એ શીદ ને લઉ.
 
ચાદર હવે ટુંકી બને જો કફન ની,
લાંબી કબર માં નામ એ શીદ ને લઉ.
 
યાદો બધી ઓઝલ બને યોગ તારી,
ખાલી નજર માં નામ એ શીદ ને લઉ.
 
યોગેન્દુ જોષી : ૦૧/૦૫/૨૦૧૦