તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું,
જ્યારે આંખડી વરસે અનરાધાર, પૂનમની રાતે,
કાજળ ચોળાયું, બધે અંધકાર, વિરહની રાતે,
તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...
દિવસો જુદાઈના કાપુ તો કેમ કરી,
તારી યાદો મને રડાવે,
રોમ રોમ માં ઝાર પ્રગટાવે.
આવીજા વાલમ, આપણા મલકમાં ફરી,
લાગણીના બંધન બોલાવે,
મનડાને જીવવુંના ફાવે.
તારા કમાયેલા રૂપિયાનુ મારે શું કરવું,
જ્યારે તન્હાઈ હો અપાર, ગુલાબી સાંજે,
કાળજુ ચોળાયું, બધે અંધકાર, વિરહની સાંજે,
તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...
માળાના પંખીઓ, સાંજે જો ને પાછા ફરે,
કલરવથી ચાહત જણાવે,
મધૂરા ગીતો સર્જાવે.
આવીજા વાલમ, ચાહતના સોગંધ તને,
પ્રીતની મોસમ બોલાવે,
દલડાને સુનુ સુનુ લાગે.
તારા મોકલેલ મિઠાઈનુ મારે શું કરવું,
જ્યારે કોળિયો શ્વાસે અટવાય, દિવાળીની રાતે,
કાળજુ ચોળાયું, બધે અંધકાર, વિરહની રાતે,
તારા વીંણેલા મોતીઓનુ મારે શું કરવું...
યોગેન્દુ જોષી : ૨૩/૧૧/૨૦૧૦
No comments:
Post a Comment