Wednesday, August 15, 2012

અછાંદસ...

દેશની આઝાદીના જન્મ-દિવસે,
બધા નેતાઓ એ કેક કાપી,
અને ભાગે પડતા ટુકડા
વહેંચી લીધા...

તમારા ભાગમાં શું આવ્યું?
સુકો રોટલો???
કેટલાકને તો એ પણ નહીં...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૫/૦૮/૨૦૧૨

Tuesday, August 14, 2012

તાન્કા...

સર્વે ભારતીયોને આઝાદ દિવસની શુભકામનાઓ...

એક દિવસ વહેલી એટલા માટે, કે કાલે દેશ માટે જે કરવાનું વિચારો, તે આજીવન
ચાલુ રાખો...

નહીંતર આ તાન્કા મુજબ બધું ભઈ "રાબેતા મુજબ"...

દેશ જુવાળ,
એક દિ પુરતોજ,
બાકીતો ભઈ,
વરસોથી એનું એ,
છે રાબેતા મુજબ...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૪/૦૮/૨૦૧૨

Friday, August 10, 2012

કૃષ્ણ જન્મ (અછાંદસ)

કૃષ્ણને તો જનમવું છે,
પાપનો અંત લાવવા,
પણ,
દેવકી, વાસુદેવ જેવા
માં - બાપ મળતા નથી...

અને કદાચ,
મળી જાય તો...

યશોદા અને નંદબાબા મળવા,
નામુમકીન છે...

યોગેન્દુ જોષી "યોગ" : ૧૦/૦૮/૨૦૧૨

Friday, August 3, 2012

ક્ષણિકા...

રોજ સવારે,
તેલ ભરેલા અશ્વ લઈને,
ભરણ પોષણ માટે દોડતો માણસ,
શ્વાસમાં મોંઘવારીનો ધુમાડો ભરી,
સ્વપ્નાઓના ઉચ્છવાસ બહાર કાઢી,
આખરે ઘરે પાછો ફરે છે...

યોગેન્દુ જોષી "યોગ" : ૦૩/૦૮/૨૦૧૨