Thursday, May 5, 2011

પોપડા... (હાઈકુ)

ઉર દિવાલે,

ત્વ સ્મ્રૂતિના પોપડા,

હજુય શોભે.

 

ડાયરી વચ્ચે,

સુકુ તારું ગુલાબ,

હજુય મ્હેકે.

 

યોગેન્દુ જોષી : ૨૧/૦૪/૨૦૧૧

Wednesday, March 16, 2011

શું માપ્યું??? (ગઝલ)

આંખોથી હૈયે શું સ્થાપ્યું,

ખુશીની પળમાં શું વ્યાપ્યું?

 

સ્મરણો ચાલ્યા પછવાડે'ને,

ભીતરમાં કોણે શું જાપ્યું?

 

વરસો બાદ પુછ્યું કેમ છે;

જવાબમાં એણે શું માપ્યું?

 

જીવુ છું, હા જીવુ છું પણ,

પલવારમાં એણે શું કાપ્યું?

 

શબ્દો ચાળીને લખ્યા'તા,

પણ જમાનાએ શું છાપ્યું?

 

યોગેન્દુ જોષી : ૧૬/૦૩/૨૦૧૧

દેહ હાંકી... (ગઝલ)

બધી રાહ ઝાંખી,

કુણે આહ નાંખી.

 

અવાવર ફળિયે,

મળી લાશ પાંખી.

 

હતુ કૈ રૂપ એવું,

કુણે રૂહ જાંખી.

 

ગઝલ આ અમારી,

કુણે ક્યાંય સાંખી.

 

કરે યોગ જશ્ન,

ભલે દેહ હાંકી.

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧

 

*લગાગા, લગાગા… (ટુંકા બહેરમાં)

આગળ કૈં નથી... (ગઝલ)

આ છે પ્રણયની વાત, આગળ કૈં નથી,

જાગ્યા દિવસને રાત, આગળ કૈં નથી.

 

પામ્યા અમે શું પ્રેમમાં, છોડો હવે,

માથે હતી એ ઘાત, આગળ કૈં નથી.

 

શતરંજ બાજી માં હતી ક્યાં જીંદગી,

પ્યાદું કરી ગ્યું માત, આગળ કૈં નથી.

 

મિત્રો બધા કોને વફાદાર મળ્યા,

આ છે મનુષ્ય જાત, આગળ કૈં નથી.

 

થોડી ગઝલ ગુંથી અમે એ 'યોગ' થી,

ગમશે અમારી ભાત, આગળ કૈં નથી.

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧

સરળ ભાષામાં કહી દઈએ... (તઝનીમ)

હ્રદયનો તાલ આ ધમધમ સરળ ભાષામાં કહી દઈએ,

સફરનો શાંત આ પડઘમ સરળ ભાષામાં કહી દઈએ,

લખું શબ્દો તણી તિકડમ સરળ ભાષામાં કહી દઈએ,

ગઝલની ગુંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ,

મુલાયમ મૌનનું રેશમ સરળ ભાષામાં કહી દઈએ.

 

*ઓરીજીનલ શેર શ્રી શોભિત દેસાઈ.

પ્રથમવાર તઝનીમ મા પ્રયત્ન કર્યો છે.

સ્વયં ઉદિત... (ગઝલ)

ચરણ સ્થગિત,

નજર ચકિત.

 

પરખ તુ ખુદા,

અરજ ઉચિત.

 

તરલ જળનો,

સરળ ધ્વનિત.

 

ગઝલ તટમાં,

સ્વ ઝળહરિત.

 

બધે શિવજી,

સ્વયં ઉદિત.

 

ઝુમે ડમરૂં

જગત સહિત.

 

વહેણ નદી,

થશે સ્થગિત.

 

હિજાબ હયા,

તને અર્પિત.

 

હિસાબ કરો,

ગઝલ ગણિત

 

યોગેન્દુ જોષી : ૧૦/૦૩/૨૦૧૧

 

*લગાલલગા… ટુંકી બહેરમાં લખવાનો નમ્ર પ્રયાસ.

ગહન ગણિત... (ગઝલ)

મહેક બને નહીં સ્થગિત,

છતાં ઉરમાં બધે ક્વચિત.

 

વહે ઝરણું ફરી દિલથી,

રચાય ગઝલ નવી ત્વરિત.

 

બધુંય જડે તને સ્વ બની,

પછીજ મળે બ્રમ્હાંડ ઉચિત.

 

શહીદ તુ થૈ સજાવ ધરા,

જગત જનની થશે ગર્વિત.

 

ખુદાઇ તને ફળે દિલથી,

કરમ કરણી નથી કથિત.

 

ગઝલ જળ છે પ્રવાહિત, ને;

ચઢાવ શિરે ગહન ગણિત.

 

*(લગાલલગા લગાલલગા) પ્રથમ પ્રયાસ.

આપના સૂચનો જણાવજો.

 

યોગેન્દુ જોષી : ૦૯/૦૩/૨૦૧૧