Monday, July 12, 2010

ઓક્ટોપસ... (હાઈકુ)

ફીફાકપ ૨૦૧૦ ની અંધશ્રધ્ધાને અર્પણ :
 
ઓક્ટોપસની
આગાહી માનનારા
વિશ્વ, શું કહું?
 
તોય ભારત
લાગે અંધશ્રધ્ધાળુ
દેશ, શું કહું?
 
યોગેન્દુ જોષી : ૧૨/૦૭/૨૦૧૦
 

Saturday, July 10, 2010

રજા ના માંગ... (ચાર લાઈના)

ખુદા થઈ તુ મજા ના માંગ.
સંજોગોની સજા ના માંગ.
 
ઇચ્છામ્રુત્યુની આસ ક્યાં છે?
મ્રુત્યુ મારી રજા ના માંગ.
 
યોગેન્દુ જોષી : ૧૦/૦૭/૨૦૧૦

Friday, July 9, 2010

ખુદા નો ખેલ... (ભાગ - ૩)

મન ની બેચેની દુર થઈ ગયી હતી અને હવે મારું ધ્યાન મુખ્ય વાત પર આવી ગયું. કેમકે મારા જીવન નો પણ એક અગત્ય નો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો હતો. 
 
અમે ત્રણેય તૈયાર થઈને તખ્તસિંહજી ના ક્વાટર મા પહોંચ્યા. ત્રણ રૂમ રસોડાનું નાનકડું ક્વાટર અને જુના જમાનાનું રાચરચીલું, ઠેક ઠેકાણે દિવાલો પર કચ્છી ભાત ના ચિત્રો દોરેલા હતા. મારી નજર જેવી ચિત્રો પર ઠરી કે તરતજ તખ્તસિંહજી બોલ્યા "રૂપલે દોરેલા છે, એને ચિત્રકળા, ભરત ગુંથણનો ખુબ શોખ છે."
 
જેવા નાસ્તાના ટેબલ પર પહોંચ્યાતો ધ્યાન ગયું તો ફાફડા-જલેબી, ગોટા-સંભારો બધુ વ્યવસ્થિત ગોઠવાયેલું હતું. અમે છ જણા નાસ્તાના ટેબલ પર ગોઠવાયા. પહેલીવાર મેં રૂપલ તરફ નજર નાંખી. તેણે પણ શરમ અને સંકોચ સાથે મારી નજર મિલાવી. તેની સુંદરતા તરફ હું ઢળી રહ્યો હતો. અને બાપુજીએ ઔપચારિક વાતો ચાલુ કરી "રૂપલબા કેટલુક ભણેલા છે?" કંકુબા "અમારા માટે દીકરી દીકરો એ આજ છે એટલે એને ભણવાની છુટ આપેલી છે. એમ. કોમ. પાર્ટ ૧ કરે છે." મારી બા બોલ્યા "પ્રુથ્વીએ બી.બી.એ. કર્યા પછી, ગવર્નમેન્ટ બેંક માં એક્ઝેક્યુટીવ છે. અને આગળ એમ.બી.એ. નો અભ્યાસ ચાલુ છે."
 
સામાન્ય પરિચય અને સામાજીક વાતો આગળ વધી રહી હતી. હું અને રૂપલ મુકદર્શક બની ને સાંભળી રહ્યા હતા.
 
તખ્તસિંહજી બોલ્યા "રૂપલ બેટા તમે અને પ્રુથ્વી બન્ને બીજા રૂમ મા જાઓ અને એકબીજા ને સમજો. અમે તો ખુશ છીએ જો તમે બન્ને એકબીજા ને પસંદ કરશોતો. આખરે જીંદગી તમારે સાથે જીવવાની છે." મારા બાપુજી પણ સુર મા સુર મિલાવતા બોલ્યા "સાચી વાત છે તખા, મારે પણ એક નો એક દીકરો છે અને મારા લંગોટિયાની જોડે વેવિશાળ થાયતો એના થી વધરે આનંદ શું હોઈ શકે."
 
રૂપલ મને બીજા રૂમ તરફ દોરી ને લઈ ગઈ. મે રાહત નો શ્વાસ લીધો અને એક ખુરશી પકડી લીધી. રૂપલ પણ બાજુ ની પાટ પર ગોઠવાઈ ગઈ. બહાર ઠઠ્ઠા મશ્કરીનો અવાજ આવતો હતો. લાગતુ હતુ કે બન્ને દોસ્તારો જુની વાતો યાદ કરી રહ્યા છે. અને મારી બા અને કંકુબા કિચન તરફ વાતો કરી રહ્યા હતા.
 
રૂપલ સામે જોઈ મેં કહ્યું "તમે સુંદર ચિત્રો દોરો છો."
 
શરમ અને સંકોચ સાથે તેણે કહ્યું "આભાર." પહેલી વાર તેનો સુરીલો અવાજ કાને અથડાયો. પછી મે કહ્યું કે  હવે શરમ કે સંકોચ વગર તમે જે પણ જાણવા માંગતા હોવ તે મને પુછી શકો છો. વાતો ધીરે ધીરે આગળ વધી રહી હતી, એકબીજા ના શોખ, ગમો અણગમો, કોલેજ ના અનુભવો, મિત્રવર્ગની વાતો વગેરે વગેર. અને મે નોટીસ કર્યું કે ખુબ શાંત અને ધીર ગંભીર લાગતી રૂપલ વાસ્તવ માં વિચારો અને કળા થી ભરપુર હતી. તેના વિચારો મા પરિપક્વતા અને ભારતીય નારી ને છાજે તેમ લાજ શરમ બધું જ હતું. દેખાવેતો સુંદર હતીજ પણ કલાકેક વાત કરતા લાગ્યું કે તેના વિચારો તો તેના કરતા પણ સુંદર છે. ક્યાંય પણ આડંબર, છોછ કે અભીમાન નહોતું. અને ધીરે ધીરે તે મારી પસંદગી ના બીબા મા બેસતી જતી હતી. તેની શાંત અને સૌમ્ય શૈલી મને ખુબ પસંદ પડી.
 
રૂપલ તરફથી પણ મળેલા સ્મિત સભર જવાબોથી લાગી રહ્યું હતું કે તેની પસંદગી મા પણ હું ખરો ઉતરી રહ્યો છું. બાળપણ ના તોફાનો, બાપુજી ની બદલી અને તેના થી થતા ફાયદા ગેર ફાયદા વગેર ઘણું બધુ. લગભગ દોઢેક કલાક મા અમે એકબીજા ને એવા જાણતા થઈ ગયા કે જાણે જ્ન્મો જનમ નો કોઈ સબંધ બંધાયેલો હોય.
 
હવે એકબીજાની મુકસંમતિ થી અમે બહાર ના રૂમ મા આવ્યા. મારા છેલ્લા સવાલ નો જવાબ મને હકાર મા મળતા હુ ખુશ હતો. પણ તેણે મારો મત મને ના પુછ્યો કે મે જણાવ્યો. અમે જેવા બહાર નીકળ્યા કે મારા બાપુજીના શબ્દો કાને અથડાયા "તખા આજથી દસ મહીના પહેલા પેલા ગુલાટી નુ છટકુ ગોઠવ્યું હતું એમા તુ ક્યાં થી ભરાયો?" 
 
મારા કાન હવે સતેજ થઈ ગયા. હું મારી જગ્યા પર આવી ગોઠવાયો, હવે મને મારા સવાલોના જવાબ સામે ચાલી ને મળવાના હતા. જે પ્રશ્ન મારે પુછવા નો હતો તે બાપુજી પુછી ચુક્યા હતા અને મારે માત્ર જવાબની રાહ જોઈ લાભુ વાળી વાત કહેવાની હતી.
 
તખ્તસિંહ ભગવાન નો પાડ માનતા હોય તેમ હાથ અદ્ધર કરી બોલ્યા "છટકુ ગોઠવાયેલું હતું તેની મને ખબર નહોતી. પણ ઉપરવાળાએ મારી લાજ રાખી, નહીંતર આજે તખો જીવતો ના હોત."
 
"કેમ તખા એવુ કેમ બોલે છે? વાત શું બની હતી? મને થોડી ઉડતી ઉડતી માહીતી મળી હતી મને એમ કે નિરાંતે ફોન કરીશ પણ, પોલીસ ની નોકરી માં નિરાંત કોને હોય છે?"
 
સાંભળ મેંદુ વાત એમ બની કે "તે દિવસે ગુલાટી સાહેબ નો પટ્ટાવાળો મારી પાસે આવ્યો અને બોલ્યો, સાહેબ વરસાદ બહુ છે અને ગુલાટી સાહેબ એમને એક બેગ અહીં ભુલી ગયા છે તો તમે તેમન ઘરે પહોંચાડી દેશો. તમે તો બાજુ ના ક્વાટર માંજ રહો છો." મને એમ કે હશે કોઈ કામ ના કાગળીયા. "વાંધો નહીં પહોંચતા કરી દઈશ પણ હાલ તો મારે ગાંધીધામ જવું છે રૂપલ વરસાદ માં ફસાઈ ગયી છે અને બસો બધી બંધ છે. વળતી વખતે હું તેમની બેગ તેમને પહોંચતી કરી દઈશ."
 
હું રૂપલ ને લઈ ને ઘરે પહોંચ્યો તો જોયું કે મારા ઘરે પોલીસ વાન ઉભી હતી અને આજુ બાજુ ના લોકો મારી તરફ ખરાબ નજરે જોઈ રહ્યા હતા. ગુલાટી સાહેબ નો પટ્ટાવાળો પણ ત્યાંજ હતો અને ગુલાટી સાહેબ પણ. મને જોઈ ને ત્યાં ના ઈન્સપેકટર મારી સામે આવી ને બોલ્યા "ગુલાટી સાહેબ ના પટ્ટાવાળાએ તમને બેગ આપી એ ક્યાં છે?" ઉતાવળ માં હું ભુલીજ ગયેલો કે એ બેગ મારે ગુલાટી સાહેબ ને આપવાની હતી. થોડો છોભીલો પડી ને મારી થેલી મા જોયું તો બેગ મને ના મળી. આ બાજુ પટ્ટાવાળો બોલી રહ્યો હતો "સાહેબ હું ક્યારનોય કહું છું મે એમને બેગ આપીજ નથી." મને કંઈ સમજાય તે પહેલા ઇન્સપેક્ટર મારી પાસે આવી ને બોલ્યા "અમને બાતમી મળી છે કે ગુલાટી પાવર ચોરી કરાવી ને કમીશન ખાય છે અને તેના છટકા માટે અમે અમારો માણસ મોકલ્યો હતો. અમે તપાસ કરી રહ્યા છીએ કે અમે આપેલી બેગ તેમના કયા સ્ટાફ પાસે છે?" પછી એમણે મારી થેલી ચેક કરી. કંઈ ના મળતા ગુલાટી અને પેલા પટ્ટાવાળાને લઈ ને જતા રહ્યા.
 
"બસ પેલી બેગ મારી ભુલના લીધે પડી જતા ગુલાટી સાહેબ બચી ગયા. કેસ પડતો મુકાયો. આ બાજુ ગુલાટી સાહેબે પણ મને ધમકી અપાવી કે જો પેલી બેગ વાળી વાત કોઈ ને કહી છે તો તને કેસ મા ફસાવી દઈશ. હું ચુપ રહ્યો. પણ પાપ છાપરે પોકારેજ તેમ ગુલાટી સાહેબ ગયા મહીનેજ રંગે હાથ પકડાયા." તખ્તસિંહજી આટલુ બોલી ને અટક્યા.
 
હવે હું બોલ્યો "કમાલ છે કુદરત નો ખેલ, એકજ ઝાટકે ઇમાનદાર વ્યક્તિ નું ઇમાન અને જરૂરીયાતની જરૂરત પુરી કરી દીધી."
 
બધા મારી સામે જોઈ રહ્યા હતા. તેમના પ્રશ્નો ઝડી વર્સાવે તે પહેલાજ મે લાભુની દાસ્તાન કીધી. અને બધા પ્રભુ નો પાડ માનવા લાગ્યા.
 
ત્યાંજ પંકિત નો ફોન આવ્યો "શું બાપુ, ભાવી સસરા એજ વ્યક્તિ નીકળ્યા કે તારે હજુ શોધખોળ કરવાની બાકી છે.?"
 
"ભાઈ ખુદા નો ખેલ કેવો છે તે હું તને પરત આવીશ પછી કહીશ. વ્યક્તિ એજ હતા અને હવે થનાર સસરા પણ." ફોન પર મોઢું દાબી મે તેને હકીકત પણ બયાન કરી દીધી.
 
તખ્તસિંહજી બોલ્યા "સાચેજ ખુદા એ બન્ને ની લાજ રાખી, અને તમે હવે લાભુ ને મળો તો કહેજો કે ભગવાને મારું ઇમાન સાચવવા અને તારી લાજ રાખવા એ પૈસા નો ખેલ કર્યો હતો અને એ પૈસા તારાજ છે. મારે કોઈનોય હરામનો રૂપિયો મારા ઘર મા ના જોઇએ."
 
જમવા ના ટેબલ પર બેઠા અને અમારી સંમતિ પણ લેવાઈ ગઈ. ગોળ-ધાણા ખાઈને અમે છુટા પડ્યા. રીટર્ન ટીકીટ તો લીધેલીજ હતી. આજે હું ટેન્શન ફ્રી હતો. લાભુના ફોન ની રાહ જોઈ રહ્યો હતો. બસ તેવામાંજ લાભુ નો ફોને આવ્યો અને બધી વાત તેને જણાવી. પછી માત્ર મજાક ખાતર હું બોલ્યો "લાભુ બધા પોલીસવાળા સરખા નથી હોતા, મારા બાપુજી પણ સબઇન્સ્પેક્ટર છે અને આજ સુધી લાંચ નથી લીધી."
 
લાભુ ગળગળો થઈ ગયો, અને બોલ્યો "સાહેબ, તમે મારી મદદ કરી તે બદલ ખુબ ખુબ આભાર અને પેલી વાત તો મે એમજ કીધી હતી તમને ખોટુ લાગ્યું હોય તો માફ કરજો."
 
ફોન મુકાયો અને હું રૂપલના ખયાલો માં ગુંથાયો.
 
*************(સમાપ્ત)*************
 
યોગેન્દુ જોષી : ૦૯/૦૭/૨૦૧૦

Thursday, July 8, 2010

ખુદા નો ખેલ... (ભાગ - ૨)

પ્રુથ્વીસિંહ અને પંકિત પોત પોતાના બાઈક પર ગોઠવાયા અને બાઈક હંકારી મુકી, તેમની પીઠ જોઈ લાભુ મન મા બબડ્યો "હે ભગવાન, અજાણતા પણ જો તખ્તસિંહજી ને મારા થી મુસીબત આવી પડી હોય અને તેનુ કારણ જો પેલા રૂપિયા હોય તો મને માફ કરજે."
 
*****
 
"બેટા પ્રુથ્વી ચાલ જમી લે પાછી બસ પકડવા ની છે." રસોડા માંથી રંજનબા ની બુમ સાંભળી પોતાના ખયાલો માંથી બહાર નીકળી હું વોશ બેઝિન તરફ આગળ વધ્યો.
 
જમી ને પોતાના ઓરડા માં જઈ મુસાફરી માટે નો સામાન ભર્યો અને બાપુજી પાસે આવી બોલ્યો "બાપુજી, આપણે જે ઘરે જઈએ છીએ એમનો પરિચય તો આપો ખબર પડે." પ્રુથ્વીસિંહ ના પિતા મદનસિંહ ઝાલા એકદમ રૂઢીચુસ્ત રાજપુત. અને પાછા સબ ઈન્સ્પેક્ટર. સહેજ આંખો ઝીણી કરી ને બોલ્યા "પ્રુથ્વી, તખ્તસિંહજી મારા નાનપણના મિત્ર છે અને તેની પુત્રી મા જોવા જેવુ ના હોય, તમે જવાનીયાઓને જે વાત કરવી હશે તેનો તમને પુરતો સમય આપીશું, હવે બીજી બબાલ મુક અને રિક્ષા બોલાય તો શીવરંજીની પટેલ ટ્રાવેલ ની ઓફિસ પહોંચીએ."
 
હું શાન મા સમજી ગયો કે બાપુજી હાલ કોઈ પણ વાત કરવાના મુડ મા નથી, ત્યાં પહોંચીને લાભુની વાતનો તોડ કરવો પડશે. "જી બાપુજી" કહી હું રિક્ષા લેવા ગયો. આ બાજુ પ્રુથ્વી ના બાપુજી બા ને કહી રહ્યા હતા "સાંભળ, બધી તૈયારી કરી છે ને, જો બન્ને એકબીજા ને પસંદ કરે કે તરતજ રૂપિયો નાળિયેળ અને ચુંદડી ઓઢાડવા ની રસમ પુરી કરવાની છે. અને તેને તખ્તસિંહજી ની રૂપલબા પસંદ આવશેજ. આજકાલ ના જવાનીયાઓને માણસ ની સમજ નથી હોતી, બસ બાહ્ય સુંદરતા ના દિવાના હોય છે. " ત્યાંજ બા બોલ્યા "સાંભળો, બધી તૈયારી કરી છે, પણ પ્રુથ્વી જો પસંદ ના કરે તો ત્યાં જોર જબરદસ્તી પર ના ઉતરતા, તમારો તીખો સ્વભાવ છે એટલે કહું છું."
 
રિક્ષા આવી પહોંચી, સામાન લઈ ને બધા રિક્ષા મા ગોઠવાયા અને શીવરંજીની પહોંચ્યા. બા "બેટા તુ કેમ શાંત છે, તને કોઈ તકલીફ હોય તો કહેજે. અને સાંભળ તારા બાપુજી તારા માટે કંઈક વિચાર કરીનેજ કહેતા હશે ને તો તુ પણ ત્યાં બધુ સમજી વિચારી ને કરજે. અને મે તેમને કહી દીધું છે કે પ્રુથ્વી ની હા હશે તોજ... "
 
"બસ બા, હવે બહુ સલાહો ના આપો. મને બધીય ખબર છે. તમે ફિકર ના કરો" મે બા ની વાત કાપતા જ જવાબ આપ્યો. બા તને શું ખબર કે મારા મન મા કયા વિચારો ચાલી રહ્યા છે. મારે તો લાભુ ને આપેલુ વચન પુરૂ કેવી રીતે કરવુ અને તખ્તસિંહજી જોડે પિતાજી ની હાજરી મા પેલા રૂપિયા વિશે કેવી રીતે પુછવું તેની ગડમઠલ ચાલી રહી છે. હું મન મા બબડતો હતો.
 
એવા માંજ બસ આવી ગયી અને ત્રણેય જણા પોત પોતાની સીટ પર ગોઠવાઈ ગયા. બસ ઉપડી અને સાણંદ ચોકડી પહોંચે ત્યાં સુધી મા તો બધા મુસાફરો નિંદ્રાધીન થઈ ગયા. મને ઉંઘ ના આવી, અને મારુ મગજ વિચારે ચઢી ગયું. લાભુ સાથેની પહેલી મુલાકાત મને યાદ આવી ગયી. તેણે આજથી નવ એક મહિના પહેલા સુખ-દુખ ટી સ્ટોલ ચાલુ કરેલો. પહેલી વાર જ્યારે મળ્યો ત્યારે તેની સાથે રૂબી કરી ને એક બાર તેર વરસની મુંગી છોકરી વાસણ ધોતી હતી. વાત વાત મા જાણવા મળેલુ કે લાભુ પોતે અપંગ અને અનાથ હોવાથી રસ્તે ભીખ માંગતા અપંગ અને અનાથ બાળકો ને પોતાના ત્યાં કામ પર રાખતો, ખવડાવતો અને તુચ્છ જીવન થી કશુંક સારુ જીવન આપવાનો પ્રયત્ન કરતો. મે એક વખત તેને પુછેલુ પણ ખરુ "લાભુ આ રૂબી તને ક્યાં થી મળી અને તેના મા બાપ જો પાછા મળી જાય તો તુ શું કરે?" ત્યારે લાભુ એ કીધેલુ મને હજુ યાદ છે. "સાહેબ રૂબી ગીતા મંદિર ભીખ માંગતી હતી. હું આ ગામ માં નવો હતો. રૂબી આમતો ક્યાં ની છે તે તો ખબર નથી. કદાચ ગીતામંદિર બસ સ્ટેન્ડ માંજ ક્યાંક ગુમ થઈ ગઈ હશે અને તેના મા બાપ તેની ભાળ નહી કાઢી શક્યા હોય. અને તે અભણ અને મુંગી છે એટલે વધુ ખબર નથી. બસ તે દિવસે અમારો ભેટો થઈ ગયો અને મે પછી તેને મારી જોડેજ રાખી લીધી. તમે પુછી જુઓ રૂબીને લાભુ એને નાની બહેન થી વિશેષ રાખે છે. હું એનો ફોટો પોલીસ ચોકી મા આપી આવ્યો છું અને તેને તેના મા બાપ જોડે મળાવીશ જ." તે વખતે મને તેની આંખ મા એક અજબ ખમીર જોવા મળ્યું હતું. મને યાદ છે કે રૂબી મહિનો એવુ જોડે રહી હતી અને લાભુ તેના મા બાપ શોધવા તેનો ફોટો લઈ પોલીસ ચોકી ના ધક્કા ખાતો હતો. અને લગભગ તેની જ મહેનત થી રૂબી પાછી પોતાના પરીવાર સાથે જોડાઈ શકી હતી. અને એ પ્રસંગ પણ યાદ આવે છે. લાભુ તે દિવસે જાણે બહેનને વિદાય કરતો હોય તેમ ધ્રુસકે ધ્રુસકે રોતો હતો. અને રૂબી ના ગરીબ મા બાપ તેના પગ મા પડી ને આભાર વ્યક્ત કરતા હતા. તે જાણતા હતા કે રૂબી જેવી મુંગી છોકરી જો કોઈ આડે હાથ આવી હોત તો તેનુ જીવન બદતર હોત. આજે સાજી સવળી છોકરી મળી છે તે માત્ર લાભુ જેવા પરગજુ માણસ ના લીધે જ.
 
બસ ત્યાર થી જ લાભુ પ્રત્યે મારું માન વધી ગયેલું અને શનીવાર ની બેઠક પણ બની ગયી હતી. મારા વિચારો આજે મારી નિંદ્રા ની વચ્ચે આવી ને ઉભા હતા. મને લાભુ પ્રત્યે માન યાદ આવ્યું તો હવે એ પણ વિચાર આવ્યો કે પેલા રૂપિયા ખોવાયા પછી તખ્તસિંહજી ના શું હાલ હશે? જો પૈસે ટકે ધનઢ્ય હશે તો ઘા જીરવઈ ગયો હશે અને જો એ રૂપિયા કોઈ કારણસર લીધા હશે અને પૈસે ટકે જો સુખી નહીં હોય તો કદાચ... બસ આ વિચારોએ મને બેચેન કરી દીધો અને શ્વાસ લેવા મે મારી બારી નો થોડો કાચ ખોલી નાંખ્યો. હવે મને એમ લાગતુ હતું કે ક્યારે ગાંધીધામ આવે અને હું મારા પ્રશ્નોનુ નિરાકરણ લાવું.
 
વિચારવેગેજ જાણે બસ ચાલી રહી હોય તેમ સામાખિયાળી, અને ભચાઉ પાસ થઈ ગયા. અને પરોઢિયે અમે આવી પહોંચ્યા ગાંધીધામ.
 
બસ માંથી અમે ત્રણેય ઉતર્યા. બાપુજી એ રિક્ષા બોલાવી અને કહ્યું સતાપર રોડ પર જી.ઇ.બી. કોલોની લઈ લે. હવે મને લાગ્યું કે હું મંઝિલથી નજીક છું અને આજે તો લાભુની વાત નો તોડ લાવીનેજ જંપીશ. રિક્ષા મા બાપુજી બોલ્યા "પ્રુથ્વી બેટા સાંભળ આપણને ઉતારો તેમણે તેમના ઘર માંજ આપ્યો છે, બપોર નુ જમવાનુ પણ ત્યાંજ છે. ત્યાં જઈ થોડો થાક ઉતારી નાહી ધોઈ ને મુખ્ય વાત પર આવીશું. તમારે જે જોવુ હોય તે જોઈલેજો. બાકી મારો મિત્ર એકદમ ભોળીયો છે. પૈસે ટકે કંઇ માલેતુજાર નથી પણ દુખી પણ નથી. અને હું તો તેને વીસ વરસે મળવાનો છું તો અમે તો અમારી જુની યાદો મા મસ્ત હોઈશું." બાપુજી ને પહેલીવાર હળવાશ ના મુડ મા જોઈ મને લાગ્યું કે મારે જે વાત જાણવી છે અને જે વાત કરવી છે તે થઈ જશે.  મે હળવેક થી પુછ્યું "તખ્તસિંહજી શું કરે છે?" "જી.ઇ.બી. માં ફોરમેન છે. એને બદલી ની જોબ છે એટલે ત્રણ એક વરસ થી અહીં છે." બાપુજી પોતાના મિત્ર ને મળવાની ખુશી મા અને જુની યાદો મા ભીંજાયેલા હતા તે મને તેમની બોલી પર થી સાફ થઈ ગયું. "તેમના પરીવાર મા કોણ કોણ છે?" પરીસ્થીતી નો લાભ લઈ મે ફરી પુછી નાંખ્યું. "તેમના પત્ની કંકુબા અને તેમની એક ની એક પુત્રી રૂપલબા. નાનો અને સુખી પરીવાર છે. તુ જોજે તો ખરો આપણા સ્વાગત માટે તે આખી રાત નહી સુતો હોય." હુંય મન મા બબડ્યો "હું પણ ક્યાં સુતો છું."
 
બાપુજીની વાત સાચી નીકળી. જેવી અમારી રિક્ષા તેમના ઝાંપા પાસે આવી કે તરતજ તમનો નાનો સુખી પરીવાર અમારી પાસે આવી ગયો. મને ઓળખાણ પડતા પણ વાર ના લાગી. સાડી મા સજ્જ એકવડા બાંધા ના કંકુબા, અને સફારી માં સજ્જ ભરાવદાર રાજપુતાના મુંછો વાળા મધ્યમ કદ ના તખ્તસિંહજી. અને પંજાબી ડ્રેસ માં પાણીદાર આંખો વાળી કન્યા એટલે રૂપલ. થોડીકવાર માંજ મે નોંધી લીધું કે તેઓ રૂઢીચુસ્ત નથી. તખ્તસિંહ્જી તો મારા બાપુજી ને ગળે વળગી પડ્યા. અમારો સામાન લઈ લીધો અને મિત્રભાવ થી અમને તેમના સરકારી ક્વાટર માં અંદર લઈ ગયા.
 
"લે મદન આ ચાવી. બાજુનુ ક્વાટર મે મારા માટે સાહેબની પરવાનગી થી રાખી લીધુ છે. અંદર આરામ કરવા અને નહાવા ધોવાની બધીજ વ્યવસ્થા કરેલી છે. જો કંઈ ખુટતુ હોય તો બુમ મારજે. તખો હાજર થઈ જશે."
 
"અલ્યા તખા, તુ હજુ ભુલે છે, છોકરી નો બાપ પછી પહેલા તો મારો ભાઈબંધ છે. મદન મદન શું કરે છે, મેંદુ બોલ તો મોજ પડી જાય. જો હું તખ્તસિંહ બુમ મારું અને બીજા કોઇ તખ્તસિંહ હાજર થઈ જાય તો" બાપુજી એ ચાવી હાથ મા લેતા અને ગમ્મત કરતા કહ્યું. હું હવે સમજી ગયો કે આ તખો અને મેંદુ જુના જોગીયાઓ છે અને હવે પછી નો સમય કદાચ એકદમ મોકળાશ ભર્યો હશે.
 
"મેંદુ, તખ્તસિંહ આખા ગાંધીધામ મા એકજ છે. ફિકર ના કરતો. તને કોઈ વાત નો વાંધો નહીં આવવ દઉં"
 
"ચલો થોડો આરામ કરી લઈએ અને આઠ એક વાગતા નાસ્તા ના ટેબલ પર ભેગા થઈએ." મારા બાપુજી બોલ્યા અને અમે અમારા વિસામા તરફ વળ્યા.
 
"હા હા કેમ નહીં, તારા માટે અહીંના સ્પેશિયલ ફાફડા અને સંભારો તૈયારજ હશે." તખ્તસિંહ હસતા હસતા બોલ્યા.
 
હું પથારી પર ફસડાયો અને મન મા હાશકારો પણ થયો. જે તખ્તસિંહની તપાસ કરવાની છે તેઓ સાક્ષાત સામે છે. હવે નો રસ્તો સરળ હશે. મારી આખી રાતની વિડંબના નો અંત હતો. અને હવે આંખો પર રાતનો ભાર પણ વર્તાતો હતો. બસ એકાદ નાનકડી ઝબકી મારી, હુ અને બા બાપુજી તૈયાર થઈ ગયા. હવે ગણતરીના કલાકો માંજ મારી પરેશાની નો અંત આવવાનો હતો અથવા એવુ કહું તો લાભુ અને તખ્તસિંહ વચ્ચેની ઘટના નો સેતુ સંધાવા નો હતો.
 
*************(ક્રમશ:)*************
 
યોગેન્દુ જોષી : ૦૮/૦૭/૨૦૧૦

પતંગિયું કરમાય છે...

યુનીફોર્મી રંગો અને,
દફતર ના ભાર માં,
પતંગિયું મુંઝાય છે,
 
ગુલાબ ખરે તે પહેલા,
પતંગિયું કરમાય છે.
 
યોગેન્દુ જોષી : ૦૮/૦૭/૨૦૧૦

Wednesday, July 7, 2010

ખુદા નો ખેલ... (ભાગ - ૧)

લાભુ આજે ઉદાસ લાગતો હતો, ખબર નહીં પણ થોડા સમયથી માથા પર કોઈ ભાર ઉંચકીને ફરતો હોય તેમ લાગતુ હતુ. 
 
લાભુની ઓળખ આપુ તો, નરોડા જી.આઈ.ડી.સી. ની બહાર ચા અને નાસ્તાના રેડીમેડ પડીકા વેચતો ટપરી વાળો આશરે ૧૬ કે ૧૭ વરસનો છોકરો. ડાબો હાથ સંપુર્ણ ખોડો, કદાચ જન્મજાત ખોડ હશે. છેલ્લા આઠ નવ મહીનાથી એણે એક ખેતરની બાજુ મા ગુલમોહરના ઘટાદાર ઝાડ નીચે નાનકડી ટપરી સજાવી હતી. નામ પણ કેવું! "સુખ-દુખ ટી સ્ટોલ." અને તેની ટપરી પર મોટા ભાગના નાના લબરમૂછિયા ખોડ-ખાંપણ વાળા બાળકો, ક્યાં તો ચા આપતા હોય ક્યાં તો વાસણ ધોતા હોય. અપંગ અને અનાથ બાળકો પ્રત્યે તેને ખુબ પ્રેમ. વાત વાત માં તે કહેતો "પાપની પોટલી હળવી કરવા થોડુ સેવાનું કામ પણ કરતા જવુ પડે, બાકી ભગવાને બધા હિસાબ કિતાબો ગણી રાખેલા હોય છે અને આપણે તો એણે ગણેલા દાખલાઓ નુ પુનરાવર્તન માત્ર કરવાનુ હોય છે."
 
દર શનિવારની જેમ આજે પણ હું તેની ટપરી પર ગયો, મે મહીના ની બપોરનો સમય હતો. સુરજ બને એટલા જોરથી અગનજ્વાળાઓ ઓકી રહ્યો હતો. લાભુ જરા આખી ચા અને દસના ખારી લાવજે. મે એને ઓર્ડર આપ્યો. મારી જોડે મારો મિત્ર સેલ્સ એક્ઝેક્યુટીવ પંકિત ભાવસાર પણ હતો. અમે બન્ને સામાન્ય ગ્રેજ્યુએટ થયા પછી, સેલ્સમાં જોડાયા અને આખુ અઠવાડિયું ફરી શનીવારે સુખ-દુખ ટી સ્ટોલ પર ભેગા થતા અને નોકરીના અનુભવો શેયર કરતા.
 
અમે નોટીસ કર્યું કે આજે તેને કામમાં ઉત્સાહ નહોતો. નહીંતર તરતજ આવીને કહે "મને લાગતુ જ હતુ કે આજે પંકિતભાઈ અને પ્રુથ્વીસિંહ આવશે જ અને તમે આવી ગયા" એમ ગમ્મતની સાથે-સાથ થોડો મસ્કો પણ હોય.
 
"લો મોટાભાઈ તમારી ચા અને ખારી" : લાભુ પ્લેટ મુકતો જતો રહ્યો, પણ પહેલા જેવો રણકાર ના દેખાયો. પંકિતે મસ્તી ચાલુ કરી લાભુ "તને ખબર છે, કાલે બાપુ છોકરી જોવા જવાના છે અને તુ આમ મુડલેસ થઈને ચા આપે છે એવુ થોડુ ચાલે?" લાભુએ પણ પુછવા ખાતર પુછ્યું "ક્યાં જવાના છો?" મે કહ્યું "ગાંધીધામ." બસ અચાનક તેની આંખોમાં ચમક આવી ગઈ. પંકિતે ફરી મસ્તી કરી "કેમ તારી કોઈ ગર્લફ્રેન્ડ ત્યાં રહે છે?" લાભુ થોડો ખચકાઈ ને "ના સાહેબ આમતો ઘણા બધા રહે છે અને આમ કોઈ પણ નહી." હવે પંકિતને મે વાળ્યો "છોડ ને યાર શું તુય લાભુ ની ફીરકી ઉતારે છે." હળવેક થી પુછ્યું "લાભુ, તારે કોઈ કામ હોયતો કહેજે."
 
"સાહેબ કામ તો છે. પણ પહેલા તમારે મારી વાત સાંભળવી પડશે. જો તમને થોડો સમય હોય તો?" લાભુએ ચા નો સ્ટોવ બંધ કરતા કહ્યું. પંકિત બોલ્યો "વાંધો નહી, ટાઈમ જ ટાઈમ છે, હવે બપોરે થોડા અમે સેલ્સ ડીલ કરવા જવાના છીએ, તુ તારે બોલવાનુ ચાલુ કર." લાભુએ પાણીનો ગ્લાસ લીધો અને તેની વાત કહેવાની શરૂ કરી.
 
"સાહેબ હું પોતે ગાંધીધામ નો છું, માતા અને પિતા એક માર્ગ અકસ્માત મા શ્રીજી ચરણ થયા પછી હું મારા મામા-મામી જોડે રહેતો હતો. મામા નો સ્વભાવ ખુબજ સુંદર અને હેતાળ, સામે મામી નિર્દયી અને ક્રોધી. હું બાર વરસનો હતો અનાથ થયો ત્યારે. અને મામા-મામી જોડે ગાંધીધામ થી માંડવી રોડ પર આવેલા ઝુંપડપટ્ટી માં રહેતો હતો. મારા મા-બાપ પણ સુખી નહોતા, પપ્પા લારી ચલાવતા અને માં ગાંધીધામ બસ સ્ટેન્ડ પાસે લારી પર ચા અને ગુટખા વેચતી. હું રાતની શાળા માં ભણતો અને સવારે ચા ની લારી પર માં ને મદદ કરાવતો. માતા-પિતાના અવસાન બાદ ગાંધીધામની લારી હું સંભાળતો અને તેનો હિસાબ કિતાબ બધો મામી ના હાથ માં રહેતો. વસ્તી કરું કે તરતજ મામી આવી જાય અને બધા રૂપિયા મારી પાસે થી લઈ લે. વધેલુ ઘટેલુ જમવા આપે. મામાની હાજરી હોય તો પણ એમનુ કંઈ ના ચાલે. પણ મામા મને ખુબ સાચવતા, રાતે મને ચોરી છુપીથી ખાવાનુ આપી જાય. કોક દિવસ જો રૂપિયાની ગણતરીમાં ભુલ પડે તો મામી ઢોર માર મારે અને ખાવાનુ પણ ના આપે."
 
બસ આટલી વાત સંભળાવી અને લાભુ તેને આવેલો ડુમો ગળવા ઉભો થયો અને પાણીનો ગ્લાસ પી ગયો. હું અને પંકિત પણ આશ્ચર્ય ચકિત થઈ ને જોતા રહ્યા. મન માં અફસોસ પણ થયો કે દુનિયા માં આવા પણ જાલિમો ઘર મા વસે છે. લાભુ પાછો આવી ને બેઠો અને ફરી એણે બોલવાનુ ચાલુ કય્રું. અમારી પાસે આજે સમયની કોઈ ખોટ નહોતી, અહીથી સીધા ઘરેજ જવાનુ હતું. અને મારે સાંજની પટેલ ટ્રાવેલ્સ મા બેસી કન્યા જોવા ગાંધીધામ.
 
"સાહેબ મુળ વાત એ નથી કે કોણે શું કર્યું, પણ સાહેબ ત્યારબાદ એક એવો પ્રસંગ બની ગયો કે મારે ગાંધીધામ છોડી અહી ભાગી આવવુ પડ્યું"
 
હવે અમને પણ થોડી કુતુહલતા જાગી. લાગ્યું કે કહાની મેં ટ્વીસ્ટ હૈ.
 
"આજથી દસ મહીના પહેલા ગાંધીધામ મા જોરદાર વાવાજોડું આવ્યું અને ગાજ-વીજ સાથે ભારે વરસાદ પડ્યો. હું મારી ટપરી સાચવી ને બેઠો હતો ત્યાં એક રિક્ષાની સહેજ ટક્કર વાગતા મારી ટપરી ઉંધી પડી ગયી. અને સિગારેટ અને ગુટખાના પેકેટો પાણી માં ભીના થઈ ગયા. દુધ બધુ ઢોળાઈ ગયું અને હું મામી ના નિર્દયી વિચારે, ડરી ને રોવા લાગ્યો. સહેજે હજાર રુપિયાનુ નુકશાન હતુ. હવે જો મામી ને આ વાત ખબર પડી જાય તો મારી-મારી ને મારી છાલ ઉતારી લે, બસ આ ડર થી હું માથે હાથ મુકી ને ત્યાંજ બેસી ગયો. આજે મને મારા મા-બાપ મને બહુ યાદ આવતા હતા. આકશી મેહ ઉભુ રહેવાનુ નામ નહોતો લેતો અને મારી આંખો પણ આજે પાંપણ નો બાંધ તોડી ને વહ્યા કરતી હતી. ભગવાને મને કદાચ બે હાથ આપ્યા હોત તો હું મારી ટપરી બચાવી શકત, એવા મનોમન વિચારો કરતો અને ભગવાનને પેટ ભરીને કોંસતો રડી રહ્યો હતો."
 
પંકિત હવે બોલ્યો "અચ્છા એટલે તુ ત્યાં થી ભાગી ને આવ્યો એમ ને?"
 
"ના સાહેબ, વાત થોડી જુદી છે. ખબર નહી કેમ તે વખતે ભગવાને શું ધાર્યું હતુ તે તો તેનેજ ખબર."
 
હવે મે પુછ્યું "દોસ્ત દિલ માં જે વાત હોય તે કહી નાંખ, અને હું ગાંધીધામ જઈશ તો, તુ જે કામ કહીશ તે સમયે કરીશ અને તારા મામા ની ખબર પણ લેતો આવીશ." મને એમ કે કદાચ એને એના મામા જોડે લાગણી છે તો તેમની ખબર કાઢવાનું કે એવુંજ કંઈક કામ કહેશે.
 
"ના સાહેબ, મારે મારા મામા ની નહી પણ એક બીજા વ્યક્તિ ની ભાળ જોઈએ છે."
 
પંકિત "બીજા વ્યક્તિ ની?"
 
"હા સાહેબ, હજુ મારી વાત પુરી નથી થઈ."
 
"હા તો બોલી નાંખ અને એક બાલાજી વેફર પણ આપી દે" મે મારા મોબાઈલ મા સમય જોતા કહ્યું.
 
"લો સાહેબ વેફર. સાહેબ વાત જાણે એમ બની કે બસ હુ મારા પર આવેલી આફતો થી રડી રહ્યો હતો અને ભગવાન ને કોંસી રહ્યો હતો ત્યાંજ એક નાનકડી હેન્ડ-બેગ પાણી માં તરતી મારા પગે અથડાઈ. મે તેને ઉંચકી લીધી, તો મને એમાં ખાસુ એવુ વજન લાગ્યું. કુતુહલતા પુર્વક ખોલી તો તેમાં મને પ્લાસ્ટીક ની કોથળી મા લપેટેલી ૫૦૦ ની નોટો નું બંડલ દેખાયું."
 
"ઓકે, તો તુ એ નોટો નુ બંડલ લઈ ને ભાગી આવ્યો છે એમ?" પંકિતે સહેજ કરડાકી ભર્યા સ્વરે કહ્યું.
 
"ના ના સાહેબ, પહેલા વાત તો સાંભળો" લાભુ ઉતાવળે બોલી ગયો.
 
"હા બોલ." હવે મારી પણ ધીરજ ખુટી ગઈ હતી.
 
"તો તે બેગ માં મને નોટો નું બંડલ મળ્યું સાથે સાથે એક સરનામુ પણ મળ્યું. પહેલા તો મગજ માં વિચાર આવ્યો કે ભગવાને મારી લાજ રાખી અને એમણે આ રૂપિયા મારા લાભ માટેજ મોકલ્યા છે. મારા હ્ર્દય અને મન વચ્ચે ગજાગ્રહ ચાલ્યો. મારું સ્વામાન મને તે લેવા કે સ્વીકારવા નું ના કહેતુ હતું તો મારું મગજ મામી ના નિર્દયી સ્વાભાવ થી બચવા નો રસ્તો બતાવતું હતું."
 
"પછી તે શું કર્યું?" પંકિતે વેફર ના પેકેટ માં હાથ નાંખતા પુછ્યું.
 
"પછી મારું હ્રદય જીતી ગયું અને હું અંદર આપેલા સરનામે ધોધમાર વરસાદ માં પેકેટ પાછુ આપવા સાયકલ લઈ ને નીકળ્યો. મન મા એવો વિચાર પણ આવ્યો કે ૫૦,૦૦૦ રૂપિયા પાછા આપીશ તો મને કદાચ બક્ષીસ મા ૫૦૦ રૂપિયા આપી પણ દે. પણ ત્યાં એ સરનામે પહોંચ્યો જોયું તો ત્યાં પોલીસ ની જીપ પહેલે થીજ પડી હતી અને લોકો નું ટો્ળુ જમા થયેલું હતું. હું ખુબ ગભરાઈ ગયો. પૈસા પડી ગયા છે એટલે શોધવા પોલીસ બોલાવી લાગે છે. મને લાગ્યું કે હવે જો હું આપવા જઈશ તો પોલીસ મારશે અને મારો હપ્તો પણ ડબલ કરી નાંખશે. હું પોલીસ જાત થી ખુબ વાકેફ હતો, મફત ની ચા પીવી, ગુટખા ખાવી અને પાછો દર મહિને ૫૦૦ નો હપ્તો."
 
"એટલે તુ પોલીસ થી ડરી ને ભાગી આવ્યો છે એમજ ને." મને થોડી સચ્ચાઈ દેખાઈ. "પણ લાભુ, મારે કામ શું કરવાનુ છે તે તો કહે?"
 
પંકિતે ઝડપ બતાવી "જેની બેગ મળી હતી તેની ભાળ કાઢવાની હશે, શું બાપુ તમે પણ યાર."
 
"હા સાહેબ, મારે એ ભાઈ તખ્તસિંહજી ની ભાળ કાઢવી છે અને તેમના પૈસા પાછા પહોંચતા કરવા છે. હાલ તો પુરા નથી પણ તેમને કહેવું છે કે લાભુ તેમની પાઇ પાઈ ચુકતે કરી દેશે."
 
હવે મારે ચક્કર ખાવાનો વારો હતો. કેમ કે જે છોકરી હું જોવા જવાનો હતો તેના પિતાજી નું નામ પણ તખ્તસિંહજી હતું. મે એને કીધુ વાંધો નહી મારો મોબાઈલ નંબર લઈ લે અને મને રવીવારે રાતે ફોને કરજે. અને મને પણ લાગ્યું કે ચલો મારા હાથે ભગવાને સારુ કામ લખ્યું છે અને જો તખ્તસિંહજી એજ વ્યક્તિ નીકળશે તો બન્નેના માથા નો ભાર હળવો થશે.
 
*************(ક્રમશ:)*************
 
યોગેન્દુ જોષી : ૦૭/૦૭/૨૦૧૦

મીંદડી... (જોડકણા)

(૧)
નાની મારી મીંદડી,
કરતી મ્યાંઉ મ્યાંઉ.
ઉંદર પાછળ દોટ મુકી,
કહેતી ખાઉં ખાઉં.
 
(૨)
દૂધ ખાય દહીં ખાય,
માખણ ઝટપટ ચાટી જાય,
કુત્તો દેખી મીંદડી મારી
ખુણે ફટફટ સંતાતી જાય.
 
યોગેન્દુ જોષી : ૦૭/૦૭/૨૦૧૦